ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગરમાં સૌપ્રથમ “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 8 ફેબ્રુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કેન્દ્રીય ખેલકૂદ અને યુવા કાર્યક્રમોના મંત્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. બે ઑફ બંગાલ ઇનીશિએટિવ ફૉર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનૉમિક કોઑપરેશન (બિમસ્ટેક) રાષ્ટ્રોના યુવાઓની આ પાંચ દિવસીય પ્રથમ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઈ રહી છે. બિમસ્ટેકના સભ્ય દેશોની યુવાશક્તિનું યોગદાન ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-૨૦૩૦’ સાકાર કરવામાં પ્રેરિત કરવાના સામૂહિક વિચારમંથન માટે આ સમિટ યોજવામાં આવી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારતનો વિકાસ અભિગમ હરહંમેશ સમગ્ર માનવજાતના કલ્યાણ કેન્દ્રિત રહ્યો છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ ઉપરાંત વિશ્વ કલ્યાણની ભાવના પર પણ તેમણે એટલો જ ભાર મૂક્યો છે.

આ સંદર્ભે મુખ્યમંત્રીએ વૈક્સીન મૈત્રી અભિયાન, તુર્કીમાં ઑપરેશન દોસ્ત અને યુક્રેનમાં ઑપરેશન ગંગાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, આવા ઉદાહરણો જ વૈશ્વિક સ્તર પર સૌના સાથ-સૌના વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતે હંમેશાં પોતાના નાગરિકોની સુરક્ષા સાથે અન્ય દેશોના નાગરિકોની પણ મદદ કરી છે. વિશ્વબંધુ તરીકે ભારતની આ જ પ્રતિબદ્ધતા બિમસ્ટેકના વ્યાપ અને સક્રિયતામાં પણ જોવા મળી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વને નવી દિશા આપનારા વિચાર પુરુષ – મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા એકતા પુરુષ – સરદાર પટેલ અને એક ભારત-શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત વિકાસ પુરુષ – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ પર બિમસ્ટેક યૂથ સમિટનું આયોજન એ ‘રાઇટ જૉબ એટ રાઇટ પ્લેસ’નું ઉત્તમ ઉદાહરણ છે.

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, BIMSTEC ક્ષેત્રમાં આશરે 1.8 અબજ લોકો વસે છે, જે વૈશ્વિક વસતિના લગભગ 22 ટકા અને 4.5 ટ્રિલિયન ડોલરની સંયુક્ત જીડીપી ધરાવે છે. તે માત્ર પ્રાદેશિક જૂથ જ નથી, પરંતુ તે આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયી વિકાસ માટે એક સહિયારું વિઝન છે. વર્ષ 2018માં કાઠમંડુમાં ચોથી BIMSTEC સમિટ યોજાઈ હતી, જેમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BIMSTECનાં માળખાની અંદર યુવાનોનાં જોડાણની કલ્પના કરી હતી, જેના પરિણામે આજે આ સમિટની શરૂઆત થઈ છે.

ડૉ. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, આ શિખર સંમેલન સમગ્ર BIMSTEC દેશોમાં યુવા માનસને સશક્ત બનાવવાની દિશામાં એક પગલું છે. સહયોગને પ્રોત્સાહન આપવું, અનુભવોનું આદાન-પ્રદાન કરવું અને સમગ્ર પ્રદેશમાં યુવાનોની આગેવાની હેઠળના વિકાસને વેગ આપવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષની સમિટની થીમ “યુથ બ્રીજ ફોર ઇન્ટ્રા-બિમ્સ્ટેક એક્સચેન્જ” સમયસર અને મહત્ત્વપૂર્ણ છે. BIMSTEC યુથ બ્રિજ મારફતે પરિવર્તનકારી પ્લેટફોર્મની કલ્પના કરે છે, જે ગતિશીલ, બહુ-ક્ષેત્રીય પ્રાદેશિક યુવા ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પરંપરાગત સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાનથી આગળ વધશે. તેમણે કહ્યું કે, ઉદ્યોગસાહસિકતા, રમતગમત, શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનોલોજીને સંકલિત કરીને આ પહેલ ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક ઊભું કરશે, જે BIMSTECનાં તમામ દેશોમાં યુવાન નેતાઓને સશક્ત બનાવશે.

આ પણ વાંચો :- મહાકુંભ ૨૦૨૫માં ‘શ્રી સ્વામિનારાયણ ભાષ્ય’નું ભવ્ય સ્વાગત

Back to top button