ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહેજમાં GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

Text To Speech

ગાંધીનગર, 29 માર્ચ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના દહેજમાં સ્થપાયેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું દહેજમાં GACLના સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત સરકારના આ સાહસ દ્વારા ક્લોરિનનો ઉપયોગ કરીને બેન્ઝાઈલ ક્લોરાઇડ, બેન્ઝાઈલ આલ્કોહોલ અને બેન્ઝાલડિહાઇડ જેવા મૂલ્ય વર્ધિત ક્લોરિન આધારિત ઉત્પાદનો આ નવા પ્લાન્ટમાં કરાશે.

CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરેલો આ નવ સ્થાપિત પ્લાન્ટ રૂ.૩૫૦ કરોડના ખર્ચે તૈયાર થયો છે. એટલું જ નહીં, વાર્ષિક ૩૦ હજાર ટનની ક્ષમતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે ૧ હજાર જેટલી રોજગારીનું સર્જન પણ કરશે. GACLનો આ નવો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ યુરોપ, અમેરિકા અને દક્ષિણ એશિયામાં આ કેમિકલના એક્સપોર્ટ દ્વારા અંદાજે રૂ.૧૩૦ કરોડનું વિદેશી હૂંડિયામણ રળી આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GACLના સ્થાપના દિવસ અવસરે કાર્યરત થઈ રહેલા આ નવા પ્લાન્ટ માટે અને GACLની ૫૦ વર્ષની પ્રગતિમય સફળતા માટે GACL પરિવારને અભિનંદન પાઠવીને પ્રસંશા કરી હતી. GACLના કાર્યકારી વહીવટી સંચાલક અને મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે મુખ્યમંત્રીને આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકારનું સાહસ GACL ૧૯૭૩થી કાર્યરત છે અને દહેજમાં બે તથા વડોદરામાં એક મળીને કુલ ત્રણ ઉત્પાદન એકમોમાં કોસ્ટિક સોડા સહિત ૩૫થી વધુ ઉત્પાદનો કરે છે.

GACLએ પાછલા પાંચ દાયકામાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને તથા નવા ઉત્પાદનો દ્વારા સતત વિસ્તરણ કર્યું છે. GACL આઠ લાખ મેટ્રિક ટનથી વધુ કોસ્ટિક સોડાના વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે તથા સોડિયમ ક્લોરેટ અને હાઈડ્રેઝિન હાઈડ્રેટનું ભારતમાં એકમાત્ર ઉત્પાદન એકમનું ગૌરવ ધરાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દહેજ ખાતેના GACLના નવા પ્લાન્ટનું આ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું તે અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, જી.આઈ.ડી.સી.ના એમ.ડી. પ્રવિણા ડી.કે. તથા GACLના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :- DGP વિકાસ સહાયે ચેટીચાંદ અને ઈદ અનુસંધાને તમામ CP અને SP સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

Back to top button