CM ભૂપેન્દ્ર પટેલે મંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ‘કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર’ થીમ સાથે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન(SEA) દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં 15થી વધુ દેશોના 400થી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા.
આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના હસ્તે સારી કૃષિ પદ્ધતિઓ દ્વારા એરંડા બીજમાં સતત ઉચ્ચ ઉત્પાદકતા માટે 4 ખેડૂતોને ‘શ્રી વિઠ્ઠલભાઈ જી. ઉદેશી’ કેસ્ટર ઈનોવેશન એવોર્ડ તેમજ વર્ષ-2024 માટે સૌથી વધુ કેસ્ટર ઓઈલ નિકાસ, સૌથી વધુ કેસ્ટર ડેરિવેટિવ્સ નિકાસ તથા ભારતમાંથી સૌથી વધુ કેસ્ટર ઓઈલ આયાત કરનાર અન્ય દેશના ઉદ્યોગકારોને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપી ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે. વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે. તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહિ, પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતીક બન્યું છે. તેમણે ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તેના પરિણામે કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી રહ્યાં છે.
મુખ્યમંત્રીએ રાજ્યના એરંડા ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો અને એરંડા પ્રોસેસિંગ-ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગોને રાજ્ય સરકાર હંમેશા તમારી પડખે છે એમ જણાવી જરૂરી મદદ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં મુખ્યંમત્રીએ જણાવ્યું હતું કે, એરંડા જેવા પરંપરાગત કૃષિ પાકો અને ઉત્પાદનોના વેલ્યૂ એડિશન કરવા સાથે સમયને અનુરૂપ નવતર આયામો અપનાવ્યા છે. આજે વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં પણ ગુજરાત સિંહફાળો ધરાવતું સ્ટેટ છે.
આ કોન્ફરન્સમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વિશ્વમાં કેસ્ટરનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. દેશમાં સતત 23 વર્ષથી અને ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી કેસ્ટર ઉદ્યોગને વધુમાં વધુ પ્રોત્સાહિત કરી શકાય તે માટે SEA સતત કામ કરી રહ્યું છે. 21મી સદીમાં દુનિયા ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે ખાસ કરીને ગુજરાત 85 ટકા કરતા વધુ કેસ્ટરનું ઉત્પાદન કરતું હોય તેવા સમયે તેમાં વધુ પ્રગતિ થાય તે માટે આ કોન્ફરન્સમાં સતત ચર્ચાઓ કરવામાં આવશે.
વધુમાં, ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩માં રાજ્યમાં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલા અનેક રોકાણોના પરિણામે દેશ અને રાજ્યનો ખૂબ વિકાસ થયો છે. ગયા વર્ષે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અંદાજે રૂ. 45 લાખ કરોડના MOU કરવામાં આવ્યા હતા. આજે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતા રાજ્ય સાથે દેશનું હંમેશા વિકાસ મોડલ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં અમલી 20થી વધુ પોલિસીઓના પરિણામે રાજ્યનો વિકાસ અકલ્પનીય રીતે થયો છે. આ કોન્ફરન્સમાં કેસ્ટરનું ઉત્પાદન કરતાં ખેડૂતોની સંખ્યા વધારવા અને તેને લાગતાં અન્ય મુદ્દાઓ પર સામૂહિક વિચાર કરવામાં આવશે. ખેડૂતોની ખેતપેદાશોની ગુણવત્તા વધે, ખેતીની આવકમાં વધારો થાય અને તેમને ખેતપેદાશોના સારા ભાવ મળી રહે તે અંગે રિસર્ચ કરવાથી આ કોન્ફરન્સનો હેતુ પરિપૂર્ણ થશે.
આ પણ વાંચો :- રેરામાં અપીલ સહિતની 17 કાર્યવાહી ઓનલાઈન કરી શકાશે, મુખ્યમંત્રીએ પોર્ટલ લોન્ચ કર્યું