અમદાવાદગુજરાત

અમદાવાદમાં 18મા ગાઈહેડ પ્રોપર્ટી શો નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

અમદાવાદ, 5 જાન્યુઆરી 2024, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અમદાવાદમાં ૧૮મા ગાઈહેડ પ્રોપર્ટી શો નો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં વિરાસતોની મહત્તા અને જાળવણી સાથે સમયાનુકુલ વિકાસ પણ થઈ રહ્યો છે. તેમણે આગામી દિવસોમાં રામલલ્લાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો જે માહોલ ઉભો થયો છે તેને ભગવાન રામના લંકાથી અયોધ્‍યા આગમન વેળાના ઉત્સાહપૂર્ણ ઉલ્લાસમય તહેવાર જેવા માહોલ સમાન ગણાવ્યો હતો.

ગૌરવવંતા પ્રોજેક્ટ દેશમાં પૂર્ણ થઈ રહ્યાં છે
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વિરાસતના ગૌરવના આવા માહોલ સાથે ગુજરાતમાં પણ વાઇબ્રન્‍ટ સમિટના ૨૦૨૪ના આયોજનથી આધુનિક વિકાસનું વાઇબ્રન્‍ટ વાતાવરણ ઉભું થયું છે. વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં મહાકાલ લોક જેવા ગૌરવવંતા પ્રોજેક્ટ દેશમાં પૂર્ણ થઈ રહ્યાં છે અને દેશમાં અલગ સ્પીડ અને સ્કેલ પર વિકાસ થઈ રહ્યો છે. પહેલાં લોકો કહેતાં હતાં કે અમેરીકા જેવો વિકાસ, પરંતુ હવે લોકો કહે છે કે, ભારત જેવો વિકાસ, એવું વિઝનરી નેતૃત્વ આપણને મળ્યું છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને ગ્રીન એન્વાયરમેન્ટનો કોન્સેપ્ટ આપ્યો છે, નેટ ઝીરો તરફ જવાનો તેમનો સંકલ્પ છે તે દિશામાં આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.

પાંચ સંકલ્પો પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ
મુખ્યમંત્રી સમક્ષ ક્રેડાઈ દ્વારા CSR અન્‍વયે થયેલાં MoU નો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સેવાભાવી પ્રવૃત્તિઓ કરીએ તો સમાજમાં મોટી ઇમ્પેક્ટ આપણે લાવી શકીએ. વડાપ્રધાને એક ભારત-શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે ત્યારે આપણે રાષ્ટ્રનાં વિકાસની દિશામાં આગળ વધવું જોઈએ, સરકારની સાથે સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ, વેપારી મંડળો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય ત્યારે વિકાસની ગતિ બમણી થાય છે તેમ તેમણે જણાવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં, ક્રેડાઇ દ્વારા તેના 25 વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે લેવાયલા પાંચ સંકલ્પો પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી.

બિલ્ડર સમુદાયનાં પ્રશ્નો અંગે સરકાર યોગ્ય નિર્ણય લેશે
આ સંદર્ભે ક્રેડાઇ અમદાવાદના પ્રેસીડેન્ટ ધુવ પટેલે જણાવ્યું હતું કે સી.એસ.આર. પ્રવૃત્તિઓ વધુ ઇમ્પેક્ટફૂલ બને તે દિશામાં આવનાર દિવસોમાં કામ થશે. અમદાવાદ જિલ્લામાં ૫૦ સરકારી શાળાઓ અપગ્રેડ કરવા, સ્માર્ટ સ્કૂલ્સ તૈયાર કરવા અને ગર્લ્સ-બોય્ઝનાં અલગ ટોયલેટ બનાવવા માટે તેમણે યુવા અનસ્ટોપેબલ સાથે MoU કર્યા હતા. અમદાવાદમાં અર્બન ફોરેસ્ટ તૈયાર થાય તે માટે ૧ લાખ વૃક્ષોનું વાવેતર કરીને તેની માવજત દ્વારા કાર્બન ફુટ પ્રિન્‍ટ ઘટાડવા માટે ક્રેડાઈ-ગાઈહેડ દ્વારા સશક્ત સંસ્થા સાથે MoU કરવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બિલ્ડર સમુદાયનાં પ્રશ્નો અંગે સરકાર જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય કરવા સકારાત્મક અભિગમ ધરાવે છે.

આ પણ વાંચોઃ શક્તિસિંહ સાથેની મુલાકાત બાદ ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ

Back to top button