મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં ઓનલાઈન પ્રસાદ ફૂલફીલમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
- ઓનલાઈન પ્રસાદ માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની મહેનત ફળી
અંબાજી, 10 ફેબ્રુઆરી 2024, ગુજરાત સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ દેશ અને દુનિયામાં તમામ માઈભક્તોને પ્રિય છે. મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ મોહનથાળનો પ્રસાદ લીધા વિના મંદિર પરિસરની બહાર ક્યારેય નીકળતા નથી. તે ઉપરાંત જે લોકો મંદિરમાં દર્શન કરવા માટે આવે છે તે લોકો અન્ય પરિવારજનો તથા પાડોશમાં રહેતા લોકો માટે પણ પ્રસાદનું પેકેટ લઈને જાય છે.
ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ,SDM સિદ્ધિબેન વર્મા અને મંદિર ટ્રસ્ટના પ્રયાસોથી અંબાજી મંદિરનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરેબેઠા ઓનલાઈન મંગાવી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ઓનલાઈન પ્રસાદ ફૂલફીલમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.માત્ર એક અઠવાડિયાના સમયગાળામાં માઈભક્તો ઘરેબેઠા ઓનલાઈન પ્રસાદ મંગાવી શકશે.
View this post on Instagram
યાત્રિકોએ પ્રિ-પેઈડ પધ્ધતિથી ઓનલાન ચૂકવણું કરવાનું રહેશે
યાત્રાધામ અંબાજીમાં વર્ષે લગભગ એક કરોડથી વધારે પ્રસાદનાં બોકસનું વેચાણ થાય છે. આજના આધુનિક યુગમાં માઈભકતો ધ્વારા ઓનલાઈન પ્રસાદ વેચાણ માટે રજુઆતો મળેલ હતી.અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફતે નજીવી કિંમતે અને ઝડપી ઓનલાઈન પ્રસાદ મંગાવી શકશે. યાત્રિકોએ પ્રિ-પેઈડ પધ્ધતિથી ઓનલાન ચૂકવણું કરવાનું રહેશે.
વેબસાઈટ મારફત પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડીલીવરી કુરીયર પાટનર ધ્વારા મોકલવામાં આવશે.માત્ર પ્રિ-પેઈડ સીસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવી છે. અંબાજી મંદિરનાં પ્રસાદ કેન્દ્ર ખાતે એક ઈ-કોમર્સ સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જયાં ઓનલાઈન પ્રસાદ માટેનું બુકિંગ થશે. જો યાત્રિકો તરફથી સારો પ્રતિભાવ મળશે તો દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા કેલેન્ડર, પુસ્તકો, નોટબુકો, અગરબત્તી, પુજાકીટ વગેરે ચીજ વસ્તુઓનું પણ ઓનલાઈન વેચાણ શરૂ થશે.
હવે માઈભક્તોને ઘરેબેઠા પ્રસાદ મળી શકશે
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલ દ્વારા અંબાજી મંદિરનો પ્રસાદ માઈભક્તોને ઘરેબેઠા મળે તે માટે અથાગ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં હતાં. જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ દ્વારા આ પ્રયાસ સફળ બનાવવા માટે એક ટીમ બનાવી હતી. જેમાં SDM સિદ્ધિબેન વર્મા, મંદિર ટ્રસ્ટના ચેતનભાઈ જોષી, આશિષભાઈ રાવલ, તપનભાઈ અને સંદિપભાઈ લાલવાણી, હર્ષભાઈ દવે, કેતનભાઈ મકવાણા, હેમલભાઈ સોની સહિતના સભ્યોએ માઈભક્તોને માતાજીનો પ્રસાદ ઘરેબેઠા મળે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતાં. જેની ફળશ્રુતીએ હવે માઈભક્તોને ઘરેબેઠા પ્રસાદ મળી શકશે.
આટલો ઓર્ડર ઓનલાઈન આપી શકાશે
(1) 80 ગ્રામનાં મોહનથાળનાં 5 પેકેટ
(2) 200 ગ્રામ મોહનથાળનાં 2 પેકેટ
(3) 100 ગ્રામનાં ચિકકીનાં 4 પેકેટ