CM ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3.0 નો રાજકોટથી પ્રારંભ કરાવ્યો
- રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ રહ્યા ઉપસ્થિત
- મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભ 2.0માં શ્રેષ્ઠ શાળા, જિલ્લા અને મહાનગરોને એવોર્ડ-પુરસ્કાર અપાયા
રાજકોટ, 4 જાન્યુઆરી : રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.Oનો રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા મંત્રીઓ કુવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા અને રાજકોટ શહેરના ધારાસભ્યો અને મેયર તથા પદાધિકારીઓની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ ૩.Oનો રાજકોટથી પ્રારંભ કરાવતા સ્પષ્ટ જણાવ્યું કે, રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડવાની રાજ્ય સરકારની નેમ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રમત-ગમત માટે સાધન સુવિધાઓ, તાલિમ, અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ સરળતાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે રમત-ગમત માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. ૨૦૦૨માં જે બજેટ માત્ર અઢી કરોડનું હતું તે આજે વધીને રૂ.૩૫૨ કરોડ થયું છે.
એટલું જ નહિ, ૨૦૦૨માં રાજ્યમાં માત્ર ત્રણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ હતા આજે ૨૨ જિલ્લામાં ૨૪ સ્પોર્ટસ કોમ્પલેક્ષ છે તેમજ નવા ૧૩ કોમ્પલેક્ષનું બાંધકામ પ્રગતિમાં છે. નારણપુરામાં ૨૨ એકરમાં મલ્ટી યુટિલીટી સ્પોર્ટસ સેન્ટર નિર્માણાધિન છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પાસે ૨૩૩ એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું નિર્માણ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેયુ હતું.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે તેના પરિણામે ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક ઉપલબદ્ધીઓનું વર્ષ બન્યું છે. પેરિસના પેરાલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓનું રેકર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમા ઐતિહાસીક જીત અને મહિલા શક્તિની ખેલ-કૂદમાં વધુને વધુ ભાગીદારીએ નવા કિર્તીમાન સ્થાપ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ૨૦૩૬ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન હવે વડાપ્રધાનશ્રીએ ઉપાડ્યું છે અને ગુજરાત પણ તેમના દિશાદર્શનમાં આ ઓલિમ્પિકના રન અપના ભાગરૂપે ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે.
ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૧૦માં ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધીના ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે.
તેમણે ખેલ મહાકુંભને ઉત્તરોત્તર મળી રહેલા વ્યાપક પ્રતિસાદની વિગતો આપતાં કહ્યું કે, ૨૦૧૦માં પ્રથમ ખેલ મહાકુંભમાં ૧૬ લાખ ખેલાડીઓ હતા તે આ વર્ષે રેકર્ડ બ્રેક ૭૧ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને કુલ ૪૫ કરોડ રૂપિયાના ઈનામોથી રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરવાની છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના આ અમૃતકાળને વડાપ્રધાને કર્તવ્યકાળ કહ્યો છે તેમ જણાવતાં યુવાનોને રમત-ગમત વિશ્વમાં દેશનું અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક આ કર્તવ્યકાળમાં છે તેવું આહવાન કર્યુ હતું.
આ તકે ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓનું સન્માન ઉપરાંત પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલા શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓનું સન્માન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખુણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો-યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતને અનેક નેશનલ–ઈન્ટરનેશનલ ખેલાડીઓ મળ્યા છે.
ગુજરાતનો ખેલાડી ખેલના મેદાનમાં ઉતરે ત્યારે ભલ ભલાનો પરસેવો છોડાવી દે તેવો સામર્થ્યવાન આ ખેલ મહાકુંભના પરિપાક રૂપે બન્યો છે તેમ તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું.
આ પણ વાંચો :- કચ્છમાં ફરી ધરતી ધ્રુજી, સાંજે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો