ઉત્તર ગુજરાતગુજરાત

વિસનગરમાં મુખ્યમંત્રીએ 109 કરોડના 85 જેટલા પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યું

વિસનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના વિસનગર એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતેથી રૂ.૧૦૯ કરોડના ૮૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે ૨૦ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ૪૩ જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે ૧૬ જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની રક્ત તુલા કરવામાં આવી હતી.

સરકાર દ્વારા રાજ્યના ગામડાઓમાં સુવિધા પુરી પડાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે હરેક માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે. રાજ્યના અવિરત વિકાસના કેન્દ્રમાં સામાન્યજનનો સર્વાંગીણ વિકાસ રહ્યો છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરાયું છે.આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નિર્માણ પામી છે તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગામડાં સુધી રસ્તા- વીજળી, પાણીથી માંડીને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

૩૦ થી ૪૦ કરોડની રકમથી વિવિધ સહાયનું દાન મળ્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજના કાર્યક્રમને સેવા, દાન અને વિકાસનો મહાસંગમ જણાવી મહેસાણા જિલ્લાના લોકોની સેવામાં 109 કરોડના વિકાસકાર્યો સમર્પિત થઈ રહ્યાં હોવાનું જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં વિકાસકાર્યો સાથે બાળકો, કિશોરીઓ, દિવ્યાંગજનો સહિત સમાજના જરુરીયાતમંદ લોકોને દાતાઓ તરફથી અંદાજીત ૩૦ થી ૪૦ કરોડની રકમથી વિવિધ સહાયનું દાન મળ્યું છે. વડાપ્રધાને કાશી વિશ્વનાથ, સોમનાથ, અંબાજી જેવા તીર્થ સ્થળોની કાયાપલટ કરીને, અંદાજિત રૂ.૧૦૦૦ કરોડના ખર્ચે તારંગા, ધરોઇ, વડનગર પ્રવાસન સર્કિટનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.

નવીન ૬૨ એમ્બ્યુલન્સ સમર્પિત કરવામાં આવી
અંબાજી-આબુ રોડ રેલ્વે લાઇનના આયોજન થકી પરિવહન સેવાને સરળ બનાવવાની સાથે ઔધોગિક અને રોજગાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનું આયોજન કર્યું છે.આ પ્રસંગે મુખ્યમંત્રીના વરદહસ્તે મહેસાણા જિલ્લામાં C.H.C., P.H.C. અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં નવીન ૬૨ એમ્બ્યુલન્સ સમર્પિત કરવામાં આવી હતી તથા ૯.૭૦ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. ૩૬.૨૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના અન્ય વિભાગોમાં ૬૧.૫૧ કરોડના કામોનું ભૂમિપૂજન અને રૂ. ૧.૬૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીએ મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ પણ કરાવ્યો હતો.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરે જાપાન અને સિંગાપોરના પ્રવાસે રવાના થશે

Back to top button