એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાથી 21મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

ડાંગ, 26 જૂન 2024, ગુજરાતના ડાંગ જિલ્લાથી આજથી 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુબિર તાલુકાની બિલીઆંબા પ્રાથમિક શાળાથી રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ-2024’નો શુભારંભ કરાવ્યો છે. સમગ્ર રાજ્યમાં આ પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળામાં નામાંકન થશે. રાજ્યમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાઓથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. આજે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને અભ્યાસ કીટ આપી
આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. શિક્ષણક્રાંતિની આ સફરથી અસંખ્ય બાળકો અને પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. મુખ્યમંત્રીના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી કે “માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003માં શરૂ કરવામાં આવેલ શિક્ષણના માધ્યમથી બાળકોના જીવન ઘડતર માટેની પહેલ એટલે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ. બીજી તરફ સુરતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઘોડદોડ રોડ પરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને અભ્યાસ કીટ આપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી.

અંદાજે 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન થશે
શાળા પ્રવેશોત્સને લઈને CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે “ગુજરાતમાં દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવાની નેમ સાથે આજથી રાજ્યભરમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો થશે શુભારંભ અને ઉજવણી થશે ઉલ્લાસમય શિક્ષણની.” ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરીને શરૂઆત કરી છે. મુખ્યમંત્રી 27 જૂને છોટાઉદેપુરમાં અને 28 જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેશે. આ ત્રણ દિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન થશે. જેમાં બાલવાટિકામાં 11.73 લાખ, ધોરણ-1માં 3.62 લાખ, ધોરણ-8-9 માં 10.35 લાખ અને ધોરણ-10-11માં 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.

આ પણ વાંચોઃગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં બાળકોના નામાંકનનો દર 75%થી વધીને 100%ની નજીક પહોંચ્યો

Back to top button