- ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ CM ભૂપેન્દ્ર પટેલે બ્રિજ પર CCTVલગાવવા આપ્યો હતો આદેશ
- AMCએ અમદાવાદનાં 84 બ્રિજ પર સીસીટીવી લગાડવાની જાહેરાત કરી
- અમદાવાદનાં 84 બ્રિજ પર સીસીટીવી લગાડવાની હાથ ધરાઈ કવાયત
અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામે લાગતું જોવા મળ્યું છે. અમદાવાદના એસ.જી. હાઇ-વે ઉપર આવેલા ઈસ્કોન બ્રિજ પર જેગ્આર ચાલક દ્વારા અકસ્માત જોવા ઊભેલા લોકોના ટોળાને અડફેટે લેતા 10 લોકોના મૃત્યુ થયા છે. બ્રિજ ઉપર બનેલી ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરોમાંથી પસાર થતાં હાઈ-વે સહિત રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ વગેરેની દેખરેખ માટે સી.સી.ટી.વી કેમેરા નેટવર્ક અને મહાનગરોનાં હાઈ-વે પર લાઈટ-પોલ અંગે પોલીસ, માર્ગ-મકાન, શહેરી વિકાસ વિભાગ અને સ્થાનિક સત્તાતંત્ર વચ્ચે સંકલન સાધીને વધુ સુદ્રઢ બનાવવા મુખ્ય સચિવને સુચનાઓ આપી હતી. જે બાદ આજે અમદાવાદ શહેરના તમામ 84 જેટલા બ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.
શહેરના તમામ બ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ માટે અલગ અલગ નિર્ણયો લેવામાં આવતા હોય છે. જેથી આજે અમદાવાદ શહેરમાં મળેલ સ્ટેન્ડીગ કમિટી અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી હસ્તક આવેલ બ્રિજ પર સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી છે. બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રિન્સિપલ કમિશનરને સૂચના આપવામાં આવી હતી કે, શહેરના તમામ બ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવામાં આવે તેના માટે થઈ જે પણ બજેટ થતું હોય તેનો ઉપયોગ કરી અને CCTV કેમેરા ઝડપથી લગાવવામાં આવે. આ તમામ CCTV કેમેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત રહેશે અને તેનું મોનિટરિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સેન્ટર ખાતેથી કરવાની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે.
84 જેટલા બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના અપાઈ
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, આજે ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માત બાદ શહેરના તમામ 84 જેટલા બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના આજે કમિશનરને આપી દેવામાં આવી છે. ઝીરો બજેટમાંથી પણ જો જરૂરિયાત પડે તો ઉપયોગ કરી અને CCTV કેમેરા લગાવવામાં આવે. સરખેજ ગાંધીનગર હાઇ-વે ગુજરાત હસ્તગત અને નેશનલ હાઈ-વે ઓથોરિટીમાં આવે છે, જો સરકાર તરફથી કોર્પોરેશનને સોંપવામાં આવશે તો અમે એસ.જી. હાઇ-વે ઉપર પણ CCTV કેમેરા લગાવી દઈશું.
શહેરમાં 10 ટકા જેટલા કેમેરા હાલમાં બંધ
અમદાવાદ શહેરમાં કુલ 6000 જેટલા CCTV કેમેરા લાગેલા છે, જેમાંથી 10 ટકા જેટલા કેમેરા હાલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. બાકીના તમામ CCTV કેમેરા ચાલુ હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો. હવે શહેરમાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે તેમજ અકસ્માતની ઘટનામાં પોલીસને મદદ માટે આ CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બ્રિજ ઉપર કેમેરા તો લગાવી દેવામાં આવશે પરંતુ, આ CCTV કેમેરા ચાલુ હોવા જરૂરી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાવાની તૈયારીમાં,આટલા ગામોને કરાયા એલર્ટ