ગુજરાતચૂંટણી 2022

જામનગરને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી વધુ ત્રણ પ્રકલ્પોની ભેંટ

Text To Speech

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ધ્રોલ ખાતેથી અનેક બાગાયતી યોજનાઓનો શુભારંભ કરાવ્યો જેમાં જામનગર જિલ્લાના લોકોને સુખાકારીમાં વધારો થાય તેવા અન્ય ત્રણ પ્રકલ્પોને પણ મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. જેમાં ૨.૮૬ કરોડથી વધુના ખર્ચે જામનગર તાલુકા પંચાયતના નવીન ભવનનુ ખાતમુહુર્ત, ગ્રામ પંચાયતોને ૧.૩૩ કરોડથી વધુના ખર્ચે ૪૮ ટ્રેક્ટર તથા જાડા વિસ્તારના ૩૫ ગામોમાં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપનની સુવિધા ઉભી કરવામા આવી છે.

રૂ.૨.૮૬ કરોડથી વધુના ખર્ચ નિર્માણ પામશે નવીન જામનગર તાલુકા પંચાયત કચેરી

જામનગર તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરીત હોય તેના સ્થાને જૂના બિલ્ડિંગને પાડી નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગ બનાવવા અંગે સરકારમાં રજૂઆત કરવામા આવેલ જે ધ્યાને લઈ તાંત્રિક મંજૂરી, નકશા અંદાજો મેળવી આ કામની ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જે કામ રૂ. ૨,૮૬,૫૦,૯૨૬.૫૩ ના ખર્ચે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. જેનુ મુખ્યમંત્રી શ્રી દ્વારા ઈ- ખાતમુહુર્ત કરવામાં આવેલ છે.

જાડા વિસ્તારના ૩૫ ગામોમાં ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી

જામનગર જિલ્લાના જાડા વિસ્તારમાં સમાવિષ્ટ ૩૫ ગામોમાં દૈનિક ધોરણે ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી માટે ડોર ટુ ડોર કામગીરી પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવામાં આવી છે.જેમાં ૩૫ ગામોના ૬ ક્લસ્ટર તથા ૧૨ પેટા કલસ્ટર બનાવી ૧૨ ટ્રેક્ટર વાહનોના માધ્યમથી દૈનિક કચરો એકત્ર કરી ઠેબા ડમ્પિંગ સાઇડ પર નિકાલ કરવામાં આવે છે ત્યાંથી કચરાનો ઉપયોગ મહાનગરપાલિકાના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે કરવામાં આવશે. આ કામગીરીની સુચારૂ અમલવારી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા એજન્સીની પણ નિમણૂક કરવામાં આવી છે. દૈનિક કચરો એકત્ર કરી ગામમાં સફાઈની સાથે દરેક ગ્રામ પંચાયત સ્વચ્છ, સ્વસ્થ અને મોડલ બને તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે.

ગ્રામ પંચાયતોને નાણાપંચની ગ્રાન્ટમાંથી ૪૮ ટ્રેક્ટરની ફાળવણી

૧૫ માં નાણાપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧ ની જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાન્ટમાંથી રૂ. ૩૬,૪૦,૦૦૦ ના ૧૩ ટ્રેક્ટર તથા વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨ ની તાલુકા કક્ષાની ૨૦% ગ્રાન્ટમાંથી રૂ.૯૬,૮૦,૩૨૦ ના ખર્ચે ૩૫ ટ્રેક્ટરનું લોકાર્પણ જામનગર જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.આ વાહનોનો ઉપયોગ ગ્રામ પંચાયતો પોતાના વિસ્તારમાં ઘન કચરાના નિકાલ સહિત આનુસંગિક કામો માટે કરશે.

Back to top button