CM ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત 1990 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા
- રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત 1990 ઉમેદવારોને નિમણૂક પત્ર અર્પણનો સમારોહ ગાંધીનગરમાં યોજાયો
- હંમેશા સરકારની સકારાત્મક હાજરી સાથે જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે માનવીય અભિગમ સાથે કામ કરવા મુખ્યમંત્રીનું પ્રેરક આહવાન
ગાંધીનગર, 03 માર્ચ 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા 1990 ઉમેદવારોને ગાંધીનગરમાં આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર એનાયત કર્યા. આ સાથે રાજ્ય સરકારમાં જોડાઈ રહેલા આ નવનિયુક્ત યુવાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંદેશ પત્ર પણ પાઠવ્યો હતો. આ સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે, નવનિયુક્ત ઉમેદવારો પાસે સરકારી સેવામાં જોડાઈને દેશ સેવા કરવા માટેની આ ઉત્તમ તક છે. સરકારી સેવાના સમયગાળા દરમિયાન સૌ ઉમેદવારોની પ્રાથમિકતા દેશવાસીઓના જીવનને સરળ બનાવવા સાથે જ તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાની પણ હોવી જોઈએ.
વડાપ્રધાનના સંદેશામાં જણાવાયું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. ભારતના અમૃતકાળમાં આજે નવનિયુક્ત થયેલા ઉમેદવારોએ કરેલા સંકલ્પો અને રાષ્ટ્રીય હિતમાં લીધેલા નિર્ણયો રાષ્ટ્રના વિકાસને વેગ આપશે. સાથે જ આ જવાબદારી નવી તકો અને પડકારો પણ લાવશે.આ ઉપરાંત તેમણે નવી જવાબદારીઓ સંભાળ્યા પછી પણ સૌ ઉમેદવારો નવું શીખવાની અને સ્વ-વિકાસની પ્રક્રિયા ચાલુ રાખવાનો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુકત યુવા કર્મયોગીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશની યુવાશક્તિના સામર્થ્યને વિકસાવવાની યોગ્ય તકો આપીને યુવાશક્તિના આધારે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત લીડ લેશે. સરકારી સેવામાં જોડાઈ રહેલા નવનિયુક્ત ઉમેદવારોને પણ સંકલ્પબદ્ધ બની ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ‘ના મંત્ર સાથે નિષ્ઠાપૂર્વક લોકોની સેવા કરવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવનિયુક્ત પામેલા ઉમેદવારો પૈકી સંશોધન અધિકારી તરીકે 35, બાળ યોજના વિકાસ અધિકારી તરીકે 69, ગુજરાતી સ્ટેનોગ્રાફર અને અંગત મદદનીશ તરીકે 134, વર્ક આસિસ્ટન્ટ તરીકે 771, રેખનકાર તરીકે 50, મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે 116, જુનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ તરીકે 30, જુનિયર ક્લાર્ક તરીકે 192 તેમજ તલાટી કમ મંત્રી તરીકે 593 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગપાલિકાના મેયર હિતેષભાઇ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, પંચાયત વિભાગના અગ્ર સચિવ મોના ખાંધાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ, નર્મદા જળ સંપત્તિ વિભાગના સ્પેશિયલ સચિવ કે. બી. રાબડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઉમેદવારો અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના મંત્રીમંડળે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા