વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિ-શતાબ્દી મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહ્યા

વડતાલ, 9 નવેમ્બર : પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે ઉજવાઇ રહેલા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની પાંચ રૂપિયાની ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
સૌ હરિભક્તોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચરોતરની આ પાવન ભૂમિ પર ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ આટલો ભવ્ય છે, જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિ પર શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની સ્થાપના કરી હશે તે સમય કેટલો દિવ્ય હશે, તેની આપણને અનુભૂતિ થાય છે. આ ઉત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત માટે સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા પૂરી પાડે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના આસ્થા–શ્રદ્ધાના કેન્દ્રોના નવનિર્માણ અને સાંસ્કૃતિક જાગરણનો નવો અધ્યાય શરૂ કર્યો છે. આપણા ધર્મ, આસ્થા અને સાંસ્કૃતિક ચેતનાના કેન્દ્રોના અનુરૂપ વિકાસનો એક નવા યુગનો તેમના નેતૃત્વમાં પ્રારંભ થયો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે વડતાલના આંગણે મંગળ ઉત્સવ ઉજવાય રહ્યો છે, ત્યારે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિના જતનનો વારસો વર્તમાન સમયના આધુનિક આયામો સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તે વડાપ્રધાનના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના ધ્યેયને સાકાર કરે છે.
નવું વર્ષ એટલે નવા સંકલ્પોનો અવસર એમ કહી મુખ્યમંત્રીએ વિક્રમ સંવત ૨૦૮૧નું નવું વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ હરિભક્તો માટે ઉમંગનો મહોત્સવ લઈને આવ્યું છે, તેમ જણાવ્યું હતું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો એક નવો સંકલ્પ આ પાવન ભૂમિ પરથી લેવા માટે તેમણે સૌ હરિભક્તોને આહ્વાન કર્યું હતું.
આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થવાની તક મળી તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને અનુસરવા હરિભક્તોને અનુરોધ કર્યો હતો. કર્તવ્યનિષ્ઠાથી આપણે આપણા કાર્ય અને ફરજને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, ધર્મ સેવાનો લાભ મળે એ જ કેન્દ્રમાં હોવું જોઈએ.
રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજ કલ્યાણની તમન્ના સાથે હરિભક્તો વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે જ્યારે વૈશ્વિક સ્પર્ધામાં છીએ, ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવીને વિકાસ યાત્રામાં સતત યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ લાખો હરિભક્તોની સેવા અને સમર્પણ ભાવ વ્યક્ત કરે છે. હરિભક્તોએ સંપ્રદાયની નાનામાં નાની સેવા કરી અદભૂત ભાવ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રજાહિતના કાર્યો કરી રહી છે. મુખ્યમંત્રીને પ્રજાવત્સલના વધુ કાર્યો કરવાની પ્રેરણા આપે અને સૌનું મંગળ થાય તેવા શુભાષિશ તેમણે પાઠવ્યા હતા. આ પ્રસંગે ૧૦૦૮ વલ્લભકુળ ભૂષણ દ્વારકેશલાલજી મહારાજે આર્શીવચન પાઠવ્યા હતા.
આ પણ વાંચો :- વાવ વિધાનસભા પેટા ચૂંટણી : આ વખતે થશે ત્રિ-પાંખીયો જંગ, શું છે BJP-કોંગ્રેસ અને અપક્ષના દાવા