ગુજરાતટ્રેન્ડિંગબિઝનેસ

ગુજરાત કાપડ નીતિ-2024 જાહેર કરતા CM ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 15 ઓક્ટોબર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસે ગુજરાત કાપડ નીતિ ૨૦૨૪ નું લોન્ચિંગ કર્યું હતું. તેમણે રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં પાણી પુરવઠા, રોડ રસ્તા સહિતની સુવિધાના ૪૧૮ કરોડ રૂપિયાના વિકાસ કામોના ઈ-ખાતમૂર્હત અને રૂ. ૧૪૬ કરોડના કાર્યોના ઈ-લોકાર્પણ સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યસચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં ઇન્સેટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ અન્વયે ૫૫૦૦ ઉદ્યોગ એકમોને ૧૧૦૦ કરોડની સહાયનું વિતરણ અને કુલ ૬૯૯ કરોડની કિંમતના ક્વોરી લીઝના લેટર ઓફ ઇન્ટેન્ટનું વિતરણ પણ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ઉદ્યોગ સાહસિકતા દિવસના કાર્યક્રમમાં કર્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યના કપાસ ઉદ્યોગ અને કાપડ સેક્ટરને વિશ્વ ફલક આપવા ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની ફાઈવ ‘F’ ફોર્મ્યુલા આધારિત કાપડ નીતિ ૨૦૧૨માં આપીને આ ઉદ્યોગને નવી દિશા આપી હતી. એટલું જ નહિ, આના પરિણામે રાજ્યમાં કાપડ ઉદ્યોગ માટેની સુદ્રઢ ઈકોસીસ્ટમનું નિર્માણ થયુ અને ૩૫ લાખ જેટલા સ્પીન્ડલ્સની સ્થાપના થઈ સાથોસાથ ૩૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયુ અને અઢી લાખથી વધુ રોજગારી ઉભી થઈ છે.

નરેન્દ્રભાઈ મોદીની મુખ્યમંત્રી તરીકેની આવી વિઝનરી લીડરશીપમાં ગુજરાતની વિકાસ યાત્રાને ૭ ઓક્ટોબર ૨૦૦૧થી નવી ગતિ મળી તેની સફળતાના ૨૩ વર્ષ પૂર્ણ થવા અવસરે ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી આપણે કરી રહ્યાં છીએ તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની આગવી ઓળખ સેક્ટર સ્પેસિફિક પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનસ અને ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પ્રો એક્ટીવ અભિગમથી પ્રસ્થાપિત કરી છે.

તેમણે કાપડ નીતિ-૨૦૨૪ની જાહેરાત કરતા ઉમેર્યુ કે, ગુજરાતમાં ૪૦% ફેબ્રિકનું ઉત્પાદન મેન મેડ ફાઇબર માંથી થાય છે અને ટેકનિકલ ટેક્સ્ટાઇલના ઉત્પાદનમાં ગુજરાત ૨૫ ટકાનો ફાળો આપે છે. કાપડ ઉદ્યોગ રાજ્યની અર્થવ્યવસ્થા સાથે દેશની આર્થિક પ્રગતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે ટેક્સટાઈલ વેલ્યુ ચેઈનના દરેક સેગમેન્ટનું એનાલિસિસ કરીને ગારમેન્ટ અને એપેરલ તથા ટેકનિકલ ટેક્સટાઇલમાં વિશેષ ફોકસ કરવાનો વ્યુહ આ નવી કાપડ નીતિ ૨૦૨૪માં અપનાવ્યો છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાપડ નીતિ ૨૦૨૪માં પહેલીવાર ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની મહિલાઓના સ્વ સહાય જૂથ-સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિ પર ભાર મૂકવા સાથે રોજગારીની તકો વધુ મજબૂત બનાવવાની નેમ રાખી છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ટેક્સટાઇલ સેક્ટર પુરક બને અને વિકસિત ભારત @ ૨૦૪૭માં ગુજરાત અગ્રીમ યોગદાન આપે તેવા ઉદાત્ત અભિગમથી આ કાપડ નીતિ ૨૦૨૪ જાહેર કરી હતી.

Back to top button