ટોપ ન્યૂઝનેશનલ

મહારાષ્ટ્રમાં આકાશી આફત, ગઢચિરોલીમાં 5 લોકોના મોત

Text To Speech

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશમાંથી વરસી રહેલો વરસાદ આફત સાબિત થયો છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદે ચોતરફ તારાજી સર્જી છે. આ બધામાં સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો છે. જેમાં ભારે વરસાદના કારણે પાંચ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તો અન્ય બે લોકો ગુમ થયા છે.

ગઢચિરોલી અને નાસિકમાં પૂરનો પ્રકોપ

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં જેવી હાલત નાસિક જિલ્લામાં પણ છે. અવિરત વરસાદને કારણે નાશિક જિલ્લામાં ઘણી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જ્યારે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગઢચિરોલીમાં કેટલાક લોકો એક ટ્રકમાં ગામના એક વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ રહ્યા હતા જ્યારે તેમનું વાહન વરસાદમાં વહી ગયું હતું. પાણીના ધસમસતા પ્રવાહમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે બે વ્યક્તિ લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે છે. બન્ને અલગ-અલગ ઘટનામાં વધુ બેના મોત નિપજ્યા હતા.

પ્રભાવિત વિસ્તારોની CM-DyCMએ લીધી મુલાકાત

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના પૂર પ્રભાવિત જિલ્લાની મુલાકાત લીધી અને નુકસાનની સમીક્ષા કરી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા નાગપુર જવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે, તેઓ નાગપુર સુધી જઈ શક્યા નહીં. જેથી તેમણે ગઢચિરોલી જિલ્લાની મુલાકાત લીધી.

ત્યાં પૂરના કારણે થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી તેમજ નાગપુરમાં પણ થયેલા નુકસાનની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના વિભાગીય કમિશનર ડૉ. માધવી ખોડે પાસેથી નાગપુરની સ્થિતિ વિશે માહિતી લીધી હતી. તો નાસિક જિલ્લામાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો હતો અને ગોદાવરી નદીના તળેટીમાં આવેલા અનેક મંદિરો ડૂબી ગયા હતા.

1 જૂનથી મહારાષ્ટ્રમાં આટલા મૃત્યુ

ભારતીય હવામાન વિભાગે નાસિક જિલ્લા માટે 14 જુલાઈ સુધી “રેડ” એલર્ટ જારી કર્યું છે, જેમાં 24 કલાકમાં 20 સેમીથી વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં 1 જૂનથી ભારે વરસાદને કારણે 83 લોકોના મોત થયા છે, જ્યારે 64 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતોમાં પૂર, ભૂસ્ખલન, મકાન તૂટી પડવું, મકાન ધરાશાયી થવું, દરિયામાં ડૂબવું, પાણીમાં ડૂબવું, વીજળી પડવી અને શોર્ટ સર્કિટનો સમાવેશ થાય છે. આ ભારે વરસાદમાં અત્યાર સુધીમાં 164 પશુઓના પણ મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 5873 લોકોને બચાવી લેવામાં આવ્યા છે એટલે કે તેમને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે.

Back to top button