અમદાવાદઃ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. પાંચેય રાજ્યોની ચૂંટણીનું પરિણામ આગામી ત્રીજી ડિસેમ્બરના રોજ જાહેર થવાનું છે. ત્યારે આજે તેલંગાણામાં મતદાન પૂર્ણ થતાં જ પાંચેય રાજ્યોના એક્ઝિટ પોલ જાહેર થયાં છે. જેમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ જીતની નજીક હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે રાજસ્થાનમાં મોટો ઉલટફેર થાય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
રાજસ્થાનમાં ભાજપને 110થી વધુ બેઠકો મળવાનું અનુમાન
હાલમાં જાહેર થયેલા એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં ભાજપને 110થી વધુ બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 90-100 બેઠકો મળી શકે છે. અન્યને 5-15 બેઠકો મળી શકે છે. મધ્યપ્રદેશમાં ભાજપને 106-116 બેઠકો મળવાની આશા છે. બીજી તરફ, કોંગ્રેસને 111 થી 121 બેઠકો મળી શકે છે જ્યારે અન્યને 0-6 બેઠકો મળવાની ધારણા છે. છત્તીસગઢની વાત કરીએ તો ભાજપને 36-46 સીટો જ્યારે, કોંગ્રેસને 40-50 બેઠકો મળવાની આશા છે. અન્યને 1-5 બેઠકો મળવાની ધારણા છે.એક્ઝિટ પોલમાં રાજસ્થાન આ વખતે પણ પરંપરા જાળવીને સત્તા બદલવાના સંકેત મળ્યાં છે.
તેલંગાણામાં કોંગ્રેસને ફાયદો
તેલંગાણા માટે મોટા ભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકારને સત્તા મળવાનું અનુમાન કરાયું છે. ટીવી9 એક્ઝિટ પોલ તેલંગાણામાં કોંગ્રેસને 49-59, બીઆરએસ: 48-58, ભાજપ: 5-10, અન્ય: 6-8, સીએનએન એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસને આગળ બતાવવામાં આવી છે. સીએનએનના એક્ઝિટ પોલમાં તેલંગાણામાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસને 56 અને બીઆરએસને 48 બેઠકો મળવાનું અનુમાન કરાયું છે.
આ પણ વાંચોઃ રોજગાર મેળા હેઠળ દેશના 50,000થી વધુ યુવાનોને સરકારી નોકરીની ભેટ