જળવાયુ પરિવર્તનથી ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સૌથી વધુ ખતરો: UN રિપોર્ટ
જીનિવા/ન્યૂયોર્ક, 22નવેમ્બર: ક્લાઈમેટ ચેન્જની અસરના કારણે સૌથી વધુ ખતરો ગર્ભવતી મહિલા અને બાળકોને છે. આ વાતનો દાવો સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કર્યો છે. યુનાઈટેડ નેશન્સની એજન્સીએ 21 નવેમ્બરે બહાર પાડેલા કૉલ ફૉર એક્શનમાં કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુ અને બાળકો પર જળવાયુ પરિવર્તનની અસરને હંમેશા અવગણવામાં આવે છે. આ રિપોર્ટ પ્રમાણે બહુ ઓછા એવા દેશો છે જ્યાં ક્લાઈમેટ ચેન્જ એક્શન રિપોર્ટમાં સગર્ભા સ્ત્રી અને બાળકોનાં સ્વાસ્થ્ય પરની અસરનો ઉલ્લેખ કરાયો છે. જો કે, આ રિપોર્ટમાં દુનિયાભરમાં કાર્બન ગેસના ઉત્સર્જનને ઘટાડવા તેમજ બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે સલામતીનાં પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ખાતે યુનિવર્સલ હેલ્થ કવરેજ લાઈફ કોર્સના આસિસ્ટન્ટ ડાયરેક્ટર-જનરલ બ્રુસ આયલવર્ડે જણાવ્યું હતું કે, આબોહવા પરિવર્તન એ આપણા બધા માટે જોખમરૂપ છે. જોકે, આના કરતાં પણ ગંભીર પરિણામોનો સામનો સગર્ભા સ્ત્રીઓ, શિશુઓ અને બાળકોને કરવો પડી શકે છે. તેમણે કહ્યું, બાળકોના ભવિષ્યને ક્લાઈમેટ ચેન્જનાં જોખમથી બચાવવાની જરૂર છે. આ માટે જરૂરી પગલાં ભરવાની જરૂર છે.
આબોહવા પરિવર્તનને કારણે ઘણી કુદરતી આફતો
આયલવર્ડે ભારપૂર્વક જણાવ્યું છે કે વર્ષ 2023માં જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસરને કારણે ઘણી કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે. જંગલમાં આગ, પૂર, ગરમીનું મોજું અને દુષ્કાળના કારણે લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. પાકને નુકસાન થયું છે, જ્યારે પાલતુ પ્રાણીઓ મૃત્યુના જોખમ તળે જીવી રહ્યા છે. તેમણે કહ્યું કે સતત કથળતી હવાની ગુણવત્તા અને અત્યંત ગરમ વિશ્વમાં કોલેરા, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોનો ફેલાવો વધ્યો છે. આ ચેપ બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે જીવલેણ છે.
નવજાત શિશુના મગજ અને વિકાસ પર ગંભીર અસર
યુનિસેફના પ્રોગ્રામ્સના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓમર અબ્દીએ કહ્યું કે, બાળકોના શરીર અને મગજ ખાસ કરીને પ્રદૂષણ, જીવલેણ રોગો અને આબોહવાની અસરો માટે સંવેદનશીલ હોય છે. દુનિયાની તમામ સર્ગભા મહિલા અને બાળકોના સ્વાસ્થ્યને બચાવવા માટે પગલાં લેવા જોઈએ. યુનાઈટેડ નેશન્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે ક્લાઈમેટ ચેન્જની અસર માતાના ગર્ભમાં જ શરૂ થઈ જાય છે. આનાથી સગર્ભાવસ્થા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમ કે પ્રિ-મેચ્યોર બર્થ, મૃત જન્મ. ગર્ભાશયમાં થયેલી અસર બાળકો જીવનભર નુકસાન પહોંચાડે છે અને તેમના શરીર અને મગજના વિકાસને અસર થાય છે.
આ પણ જાણો: જમ્મુ-કાશ્મીર: આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા ચાર સરકારી કર્મચારીઓ બરતરફ