સુરતના દિવ્યાંગ બાળકો માટે ‘ખુશીઓની દિવાળી’, 6.75 લાખ દીવડાઓનું વેચાણ


‘વોકલ ફોર લોકલ’નો સંકલ્પ સાકાર થાય અને દિવ્યાંગ બાળકોના સશક્તિકરણના ઉદ્દેશ સાથે સુરતમાં દીવડાઓનું વેચાણ કરાયું. રાજ્ય કક્ષાના મંત્રી અને મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીની પ્રેરણાથી તેમના સુરતમાં સિટીલાઈટ સ્થિત કાર્યાલય બહાર દિવ્યાંગ બાળકો દ્વારા માટીમાંથી નિર્મિત દીવડાઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકોને સુરતવાસીઓએ ઉત્સાહજનક પ્રતિસાદ આપતા એક જ દિવસમાં 6 લાખ 75 હજાર દીવડાઓ ખરીદ્યા હતા. પોલીસ કમિશનર શ્રી અજય તોમરે પણ દીવડાઓ ખરીદી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
- દિવ્યાંગ બાળકોના સશક્તિકરણ માટે ‘વોકલ ફોર લોકલ’
- દિવ્યાંગ બાળકો પાસેથી સુરતીઓએ કરીદીવડાઓની ખરીદી
- દિવ્યાંગ બાળકો દ્વારા માટીમાંથી નિર્મિત 6,75,000દીવડાઓનું વેચાણ
- પ્રથમ દિવસે ૨૭,૦૦૦ દિવડા વેચાણના અંદાજ સામે ૨૭ ગણું વેચાણ
- હર્ષ સંઘવીએ સૌ સુરતવાસીઓનો આભાર વ્યક્ત કર્યો
આ માટીના દીવડાઓ પર દિવ્યાંગોએ સ્વહસ્તે અવનવું કલાત્મક પેઈન્ટીંગ કર્યું હતું. દિવ્યાંગ બાળઉદ્યમીઓ દ્વારા બનેલા માટીના દીવડાઓમાં તેમની મહેનતની સાથે આકર્ષક ચિત્રકલાનો પણ સમન્વય થયો હતો. મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા દિવ્યાંગજનોના પ્રોત્સાહન આપવા માટે શહેરીજનોને તેમની પાસેથી દીવડાઓ ખરીદવા અપીલ કરી હતી. જેને સુરતવાસીઓએ દિલથી વધાવી લીધી હતી, ત્યારે આજે દિવ્યાંગ બાળકોના ચહેરા પર ‘ખુશીઓની દિવાળી’ જોવા મળી હતી.
નોંધનીય બાબત છે કે, પ્રથમ દિવસે 27 હજાર દીવડાનું વેચાણ થવાનો અંદાજ હતો તેની સામે 27 ગણું એટલે કે 6.75 લાખ દીવડાઓનું વેચાણ થયું છે. મંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવી તેમને જોશભેર પ્રોત્સાહિત કરવા બદલ સૌ સુરતવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે.