સુરતની સામાન્ય સભામાં BJP અને AAPના કોર્પોરેટરો વચ્ચે મારામારી, મેયર હેમાલી બોઘાવાલાને ધક્કે ચડાવ્યાં


સુરતઃ બોટાદ જિલ્લાના બરવાડામાં થયેલા લઠ્ઠાકાંડના મુદ્દે શાસકોને ઘેરવામાં વિપક્ષ દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી, ત્યારે સુરત મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સામાન્ય સભામાં બુટલેગર શબ્દને લઈને હોબાળો થયો હતો. જેમાં મેયર હેમાલી બોઘાવાલાને ધક્કે ચડાવવામાં આવ્યા હતા.
સુરતની સામાન્ય સભામાં BJP અને AAPના કોર્પોરેટરો વચ્ચે મારામારી, મેયર હેમાલી બોઘાવાલાને ધક્કે ચડાવ્યાં#surat #BJP #AAP #hemalibenboghawala #Viral #ViralVideo #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/GOXJUqL14e
— Hum Dekhenge News (@humdekhengenews) July 28, 2022
તેટલું જ નહીં, વાત ઝપાઝપી સુધી પણ પહોંચી ગઈ હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણના નિવેદનને લઈને દિનેશ રાજપુરોહિતે પોતાનો વિરોધ વ્યક્ત કરી જબરજસ્ત શાબ્દિક ટપાટપી થઈ હતી.
અમારું બુટલેગર સાથે સંકલન સારું નથી: AAP કોર્પોરેટર
પાલિકાની સામાન્ય સભા ચાલતી હતી, ત્યારે વિરોધ પક્ષના નેતા અને મહેશ અણઘણ એક સાથે પોતાની વાત મૂકતા ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિત ટકોર કરી કે, તમારી પાર્ટીમાં સંકલન યોગ્ય નથી. જેના જવાબ આપતા આપના કોર્પોરેટર મહેશ અણઘણે કહ્યું કે, ‘અમારું બુટલેગર સાથે સંકલન સારું નથી, તમારું બુટલેગર સાથે સંકલન સારું છે.’ આ બાબતને લઈને જબરજસ્ત ધીંગાણું શરૂ થઈ ગયું હતું. સામાન્ય સભામાંથી બહાર નીકળતી વખતે મહેશ અણઘણ અને દિનેશ પુરોહિત વચ્ચે બુટલેગર શબ્દને લઈને ઉગ્ર બોલચાલ થતા વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી.
મેં તેને ધક્કો માર્યો અને લાત પણ મારી છેઃ BJP કોર્પોરેટર
ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ’સામાન્ય સભા જ્યારે પૂરી થઈ ત્યારે અમે બધા સાથે બહાર નીકળ્યા હતા, ત્યારે મહેશ અણઘણ અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને લઈને બિભત્સ શબ્દો બોલતો હતો. જેને કારણે મેં તેને ધક્કો માર્યો અને લાત પણ મારી છે. અમારા પ્રદેશ અધ્યક્ષ માટે આવા ખરાબ શબ્દો કોઈપણ બોલે તો હું ચલાવી લઈશ નહીં એનો એને ચોક્કસ જવાબ મળશે.’
હું સી.આર.પાટીલ માટે એક પણ શબ્દ બોલ્યો નથી: મહેશ અણઘણ
આપના કોર્પોરેટર મહેશ અણઘણે કહ્યું હતું કે, હું સી.આર.પાટીલ માટે એક પણ શબ્દ બોલ્યો નથી. મેં બુટલેગરને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. સભાની અંદર અને બહાર નીકળતી વખતે પણ સી.આર પાટીલ માટે એક પણ શબ્દ બોલ્યો ન હતો. મેં ફક્ત એવું કહ્યું હતું કે, આ દુશાસન છે સુશાસન નથી.