

વડોદરાઃ દિવાળીના દિવસે જ વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. શહેરના પાણીગેટ વિસ્તા૨માં મોડી રાતે એકાએક માહોલ ગરમાયો હતો અને બે જૂથ વચ્ચે સામસામે ભારે પથ્થરમારો કરી કેટલાક વાહનોને આગ ચાંપવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ અધિકારી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે 19 લોકોની અટકાયત કરી છે.

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના ઘટી હતી. ફટાકડા ફોડવા અને ડીજે વગાડવા બાબતે બે જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણમાં સામસામે ભારે પથ્થરમારો કરી વાહનોને આગચાંપી દેવામાં આવી હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવી કોમ્બિંગ હાથ ધર્યું હતું.

ફટાકડા ફોડવા અને ડીજે વગાડવા બાબતે બે કોમના જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નિયંત્રણ લેવા કોમ્બિંગ કરી રહી હતી તે જ સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલામાં કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીને ઈજા પહોંચી ન હતી.

પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ DCP ઝોન-3 યશપાલ જગાણીયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે, તેમાં તેમનો સહેજમાં બચાવ થયો હતો. પથ્થરમારાની આ ઘટના પાણીગેટ મુસ્લિમ મેડિકલથી સ્વામિનારાયણ મંદિર સુધી બની હતી.

બે કોમના જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણમાં ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રોડ પર પથ્થર અને ઈંટોના ટુકડા હટાવા પોલીસે જેસીબી મંગાવી જેસીબીની મદદથી મોટી સંખ્યામાં રોડ પર પડેલા પથ્થરોને હટાવ્યા હતા.