પાટણમાં જમીન મામલે એક જ કોમના બે પરિવારો વચ્ચે અથડામણ, એકનુ મૃત્યુ
પાટણ, 26 ડિસેમ્બર 2023, ઉત્તર ગુજરાતમાં ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામમાં જમીન મામલે બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક પરિવાર ફાર્મ હાઉસમાં તાર ફેન્સિંગ માટે થાંભલા લઈને ગયો હતો. તે દરમિયાન બાજુમાં ખેતર ધરાવતા એક પરિવારના સભ્યોએ લાકડીઓ અને પાઈપ લઈને ધસી આવી ઉગ્ર બોલાચાલી કરી હુમલો કર્યો હતો. એક શખસે ઈકો ગાડી યુસિફ ખાન નામના આધેડ પર ફેરવી દેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે શખસોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવાર પર લાકડીઓ તથા પાઈપોથી હુમલો કર્યો
કલોલના એક આધેડનું ફાર્મ હાઉસ ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામે આવેલું છે. જે તેમના પરિવારના સભ્યો સાથે ખેતરમાં તાર ફેન્સિંગ માટે થાંભલા લઈને ગયા હતા. આ સમયે નજીકમાં ખેતર ધરાવતા કેટલાક શખસો ત્યાં ધસી આવ્યા હતા અને લાકડીઓ તથા પાઈપો વડે હુમલો કર્યો હતો. એક શખસે આધેડ ઉપર ઈકો ગાડી ફેરવી દેતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક યુવાનને પણ માર મારવામાં આવ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ચાણસ્મા સિવિલમાં ખસેડાતાં તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા
ટાકોદી ગામમાં મારામારી અને હત્યા થઈ હોવાની જાણ થતાં જ ચાણસ્મા પોલીસ તાત્કાલિક ગામમાં પહોંચી ગઈ હતી. એક જ કોમના બે પરિવારો વચ્ચે ઝઘડા બાદ હત્યાનો બનાવ બનતાં વાતાવરણ તંગ બન્યું હતું. ગામમાં અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે હત્યારાઓ સામે ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.