ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ

  • સ્થાનિક પોલીસ અને ભારતીય સેનાના જવાનો આતંકવાદીઓને શોધવા માટે જંગલને કોર્ડન કરીને કરી રહ્યા છે સર્ચ

કાશ્મીર, 17 જૂન: ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના અરગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. બંને તરફથી ગોળીબાર થયા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગી ગયા હતા. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, 2 આતંકીઓ જંગલમાં છુપાયેલા છે. ફાયરિંગની ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ભારતીય સેનાના જવાનો આતંકવાદીઓને શોધવા માટે જંગલને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ વિસ્તારમાં ભયનો માહોલ છે.

 

સુરક્ષા દળોને શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી

મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે 13 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ની એક પેટ્રોલિંગ ટીમને અરગામ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી અને ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આતંકવાદીઓ વચ્ચે અથડામણ જંગલ વિસ્તારમાં થઈ હતી.

ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં અચાનક વધારો થયો

ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ડોડા જિલ્લામાં પણ અનેક હુમલા કર્યા હતા. આ આતંકી ઘટનાઓ બાદ સુરક્ષા દળોની ટીમ સંપૂર્ણ રીતે એલર્ટ છે.

આતંકવાદીઓને ખતમ કરવા માટે અમિત શાહે યોજી હતી બેઠક 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને સેના પ્રમુખો સાથે બેઠક કરી હતી. કેટલાક કલાકો સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઘાટીમાં આતંકવાદીઓને ખતમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ વ્યવસ્થા અગાઉથી જ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું.

અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન

ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રવિવારે મળેલી બેઠક બાદ સુરક્ષા દળો ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનને વધુ તીવ્ર બનાવવા જઈ રહ્યા છે. અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક કરવામાં આવી છે. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટે સમાપ્ત થશે.

આ પણ જુઓ: પેરૂના દરિયાકાંઠે નોંધાયો 6.0ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનમાલનું નુકસાન નહીં

Back to top button