ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર મરાયા

  • અગાઉ સેનાએ બાંદીપોરા અને કુપવાડામાં પણ 1-1 આતંકીઓને ઠાર માર્યા હતા

શ્રીનગર, 8 નવેમ્બર: જમ્મુ-કાશ્મીરના સોપોર વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગુરુવારે ગોળીબાર શરૂ થયો હતો. મોડીરાતથી ચાલી રહેલી અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, “સોપોરના સાગીપોરા વિસ્તારમાં આતંકવાદીઓનું એક ગ્રુપ છુપાયું  હોવાની ચોક્કસ બાતમી મળ્યા બાદ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.” આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેનાએ આતંકીઓનો સામનો કર્યો હતો. કુપવાડાના લોલાબમાં થયેલી અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. સેનાએ બાંદીપોરામાં પણ એક આતંકીને ઠાર માર્યો હતો.

 

આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો

અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે સુરક્ષા દળો છુપાયેલા આતંકવાદીઓની નજીક પહોંચ્યા ત્યારે તેઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર કર્યું. મળતી માહિતી મુજબ, અહીં ત્રણથી ચાર આતંકીઓ છુપાયા છે જેમાંથી સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને જોડાણની ખાતરી કરવામાં આવી રહી છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. આતંકવાદીઓના અનેક હુમલા બાદ સુરક્ષા દળોએ તાજેતરના સમયમાં આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન વધાર્યું છે.

ગાંદરબલ આતંકી હુમલામાં સાત લોકોની હત્યા

20 ઓક્ટોબરના રોજ, આતંકવાદીઓએ ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કંપનીના લેબર કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં સાત લોકો માર્યા ગયા હતા. 24 ઓક્ટોબરે બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગના બોટાપાથરી વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો, જેમાં સેનાના ત્રણ જવાન અને બે નાગરિક કુલીઓ માર્યા ગયા હતા. ગગનગીર અને ગુલમર્ગની વ્યાપક નિંદા કરવામાં આવી હતી.

ભારે કિંમત ચૂકવવી પડશેઃ મનોજ સિંહા

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે, “આ બે આતંકવાદી હુમલામાં સામેલ લોકોને ભારે કિંમત ચૂકવવી પડશે. નાગરિકોના લોહીના દરેક ટીપાનો બદલો લેવામાં આવશે.”

સોપોર વિસ્તાર ભૂતકાળમાં અલગતાવાદીઓનો ગઢ રહ્યો છે અને 1990 પછી ઘણા વર્ષો સુધી વિવિધ સંગઠનોના આતંકવાદીઓ ત્યાં સક્રિય હતા. જ્યારે અહીંના સુરક્ષા દળોએ આતંકવાદ સામે તેમની અવિરત કાર્યવાહી ચાલુ રાખી, ત્યારે સોપોરે પણ તાજેતરમાં યોજાયેલી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં મતદાન કરીને મુખ્ય પ્રવાહમાં પરત ફરીને એક નવો અધ્યાય લખ્યો હતો.

બે VDG સભ્યોની હત્યા

બીજી બાજુ, કિશ્તવાડમાં બે ગ્રામ સંરક્ષણ ગ્રુપ (VDG) સભ્યોને પહેલા આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યા અને પછી તેમની હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ નઝીર અહેમદ અને કુલદીપ કુમાર તરીકે થઈ છે. બંનેના મૃતદેહ મળી આવ્યા છે અને અહીં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ જૂઓ: ‘હિંમત હોય તો બચાવી લો’ સલમાન ખાનને ફરી ધમકી, અભિનેતા પર ગીત લખનારને ધમકાવ્યો

Back to top button