જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. આ આતંકવાદી પાસેથી કેટલીક વાંધાજનક સામગ્રી સાથે હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. ઘટના શનિવારની છે. જ્યારે સર્ચ ઓપરેશન દરમ્યાન સુરક્ષાદળો અને આતંકીઓ સામ-સામે આવી ગયા હતા. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. અને બે જવાનો ઘાયલ થયા હતા.
સુરક્ષા દળોને આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સેનાનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન ગોળીબાર શરૂ થયો હતો. બંને તરફથી થયેલા ગોળીબારમાં એક આતંકી માર્યો ગયો હતો, જ્યારે બે જવાનોને ગોળી લાગી હતી અને તે ઘાયલ થયા હતા.
શનિવારે બારામુલ્લામાં એન્કાઉન્ટર આ મામલે વધુ માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બારામુલ્લા જિલ્લાના કરેરી વિસ્તારના વાનીગામ બાલામાંથી માહિતી મળી હતી કે અહીં આતંકવાદીઓ છુપાયા છે. આ પછી સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો અને જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. આ પહેલા બુધવારે કુલગામમાં એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો અને આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા હતા.