મહાકુંભ મેળા દરમિયાન મફત મુસાફરી વિશે ભ્રામક અહેવાલો અંગે સ્પષ્ટતા


મહાકુંભ નગર, 18 ડિસેમ્બર, પ્રયાગરાજા મહાકુંભ મેળા 2025 માટે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. કુંભમેળા 2025માં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં ડુબકી મારવા માટે પ્રયાગરાજ પહોંચવાના છે. ત્યારે ભારતીય રેલવેના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક મીડિયા આઉટલેટ્સ એવા અહેવાલો ફેલાવી રહ્યા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાકુંભ મેળા દરમિયાન મુસાફરોને મફત મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારતીય રેલવે સ્પષ્ટપણે આ અહેવાલોને નકારે છે, કારણ કે તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક છે.
ભારતીય રેલવેના નિયમો અને વિનિયમો હેઠળ માન્ય ટિકિટ વિના મુસાફરી કરવા પર સખત પ્રતિબંધ છે અને તે સજાપાત્ર ગુનો છે. મહાકુંભ મેળા અથવા અન્ય કોઈ પ્રસંગ દરમિયાન મફત મુસાફરી માટે કોઈ જોગવાઈઓ નથી. ભારતીય રેલવે મહાકુંભ મેળા દરમિયાન મુસાફરો માટે એકીકૃત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોના અપેક્ષિત પ્રવાહનું સંચાલન કરવા માટે વિશેષ હોલ્ડિંગ વિસ્તારો, વધારાના ટિકિટ કાઉન્ટરો અને અન્ય જરૂરી સુવિધાઓ સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહા કુંભ મેળા દરમિયાન સંગમમાં સ્નાન કરવા પ્રયાગરાજ આવતા પ્રવાસીઓને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે માટે ઘણી તૈયારીઓ થઈ રહી છે.
આ પણ વાંચો..મહાકુંભ 2025: હનુમાન મંદિર કોરિડોર અને પાકા ઘાટની સેલ્ફી બની લોકપ્રિય, મુલાકાતીઓની ભીડ