Fact Check: ભારતીય સાધુઓએ મક્કામાં રામ મંદિરની ઊજવણી કરી?
નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી: સોશિયલ મીડિયા અવારનવાર ફેક ન્યૂઝ વાયરલ થતી હોય છે. ત્યારે ફરી એકવાર ઈન્ટરનેટ પર એક વીડિયો સર્કયુલેટ થઈ રહ્યો છે. વીડિયોમાં હિન્દુ તીર્થયાત્રીઓ મક્કાના કાબામાં રામ મંદિરના ઉદ્ધાટનની ઊજવણી કરવા પહોંચ્યા છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, આ વીડિયોની સત્યતાની તપાસ કરતા બહાર આવ્યું કે, આ દાવો ખોટો છે.
મક્કામાં હિન્દુત્વના પ્રચારનો દાવો
સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે મક્કામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઊજવણી થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરાઈ છે જેના કેપ્શનમાં લખ્યું છે કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતાં ભારતમાંથી સાધુઓની એક ટોળકી મક્કાના કાબામાં હિન્દુત્વનો પ્રચાર કરવા પહોંચી છે. જો કે, આ અંગે હકીકત જાણતાં કંઈક બીજું જ સામે આવ્યું. આ વીડિયોમાં ઈન્ડોનેશિયામાંથી લોકો ઉમરાહ કરવા મક્કા પહોંચ્યા હતા. જેમાં મોટાભાગના લોકોએ ભગવા રંગના કપડાં પહેર્યા હતા.
ફેક્ટ ચેક કરતા સત્યતા સામે આવી
આ વીડિયો ખરેખર નવેમ્બર 2022નો છે. ઊંડાણપૂર્વક તપાસ કરતાં માલૂમ પડ્યું કે, ઇન્ડોનેશિયાની એક ટ્રાવેલ એજન્સીએ મક્કાની ઇસ્લામિક યાત્રાનું આયોજન કર્યું હતું. જેનો યુટ્યુબ પર એક વીડિયો પણ મળી આવ્યો છે. એન નામરોહી ટ્રાવેલઇન્ડો નામની ટ્રાવેલ એજન્સીએ તેમની યાત્રા દરમિયાનના વીડિયો શેર કર્યા છે. જેમાં યાત્રાળુઓ ભગવા પોશાકમાં દેખાયા હતા. ટ્રાવેલ એજન્સીની વેબસાઈટમાં બીજા પણ આવા ઘણા વીડિયો મળી આવ્યા છે. એટલે કે, સર્કયુલેટ થઈ રહેલો વીડિયો ફેક છે તેમ કહી શકાય છે.
તપાસ દ્વારા એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે હિન્દુત્વનો પ્રચાર કરવા માટે મક્કા પહોંચેલા સાધુઓના જૂથના નામે વાયરલ થયેલો દાવો ખોટો છે.
આ પણ વાંચો: Fact Check: બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારની હત્યામાં મુસ્લિમ એંગલના દાવાની તપાસ