કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં સિટીબસનાં પૈડા થંભી જતાં મુસાફરોને હાલાકી, પગાર નહીં થતા ડ્રાઇવરો હડતાળ પર

Text To Speech

રાજકોટ, 13 મે 2024, શહેરમાં સીટી બસ અને BRTSના ડ્રાઈવરોએ પગાર સમયસર ન મળતા આજથી હડતાળ શરૂ કરી છે. તેમની એક જ માંગ છે કે, તેમનો પગાર મહિનાની સાતથી 10 તારીખ વચ્ચે કરવામાં આવે. આ હડતાળને કારણે સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને વધુ પૈસા ચૂકવીને રિક્ષામાં મુસાફરી કરવાનો વારો આવ્યો છે. બસ ચાલકોને એજન્સી સમયસર પગાર ચૂકવી નથી રહી. જો એજન્સી મહિનાની સાતથી 10 તારીખમાં પગાર ચૂકવવાનું વચન આપી દે તો તેઓ હડતાડ બંધ કરી દેશે. આજે 65થી વધુ બસ ચાલકો કામથી અળગા રહ્યા છે.

6 મહિનાથી પગાર સમયસર કરવામાં આવતો નથી
બસ ડ્રાઇવરોએ મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી અમારો પગાર સમયસર કરવામાં આવતો નથી. એક તો નાના પગાર હોય અને તે પણ સમયસર કરવામાં આવતા નથી. જેને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અનેકવાર મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે. છેલ્લે આ મુદ્દે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા અમારે હડતાળ કરવાની ફરજ પડી છે.હાલમાં ઘરનાં ભાડા ભરવાની સાથે બાળકોની ફી તેમજ નાના-મોટા હપ્તા સહિતના ખર્ચ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોને પડતી હાલાકી માટે અમે દિલગીર છીએ.

સિટીબસમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને ભારે હાલાકી
રાજકોટમાં 70 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે. જેના 100 જેટલા ડ્રાઈવરો દ્વારા અચાનક હડતાળ પાડવામાં આવી છે અને અમુલ સર્કલ પાસેના ચાર્જિંગ સ્ટેશન ખાતે બસોના ખડકલા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે દરરોજ સિટીબસમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નિયમિત ઓફિસમાં તેમજ સ્કૂલ-કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. જોકે, મોટાભાગની સ્કૂલો અને કોલેજોમાં હાલ વેકેશન છે.

આ પણ વાંચોઃઅમદાવાદના પરિવારનો હરિદ્વારમાં અકસ્માત, 3નાં મોત 3 લોકો ગંભીર રીતે ઘાયલ

Back to top button