અમદાવાદ, 9 મે 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ સક્રિય થઈ ગયો છે. આજે સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમ દ્વારા દરોડા પાડીને બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે CID ક્રાઈમે દરોડા પાડ્યાં છે. આ દરોડાને લઈને આંગડિયા પેઢીઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર રાજ્યમાં 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. અમદાવાદમાં સી.જી. રોડ પરની એક પેઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રો જણાવી રહ્યાં છે કે, સમગ્ર રાજ્યમાં દરોડા દરમિયાન 10 કરોડ રિકવર પણ કરાયા છે.
સુરતમાં IT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
સુરત શહેરમાં ટેક્સટાઇલના એશ્વર્યા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. શહેરમાં એક સાથે બારેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. મોરબીમાં કોલ બિઝનેસના સીરામિક એકમો પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક સાથે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃગુજરાત CID ક્રાઈમે ભરૂચમાંથી ISI એજન્ટને પકડ્યો, દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો