CID અભિનેતા દિનેશ ફડનીસનું મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી થયું નિધન
મુંબઈ, 05 ડિસેમ્બર: લોકપ્રિય ટેલિવિઝન શો CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે અવસાન થયું છે. શોમાં દયાની ભૂમિકા ભજવનાર તેમના સહ અભિનેતા દયાનંદ શેટ્ટીએ તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે દિનેશે સોમવારે મધ્યરાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા અને ઘણી સમસ્યાઓના કારણે ગઈકાલે જ તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
અગાઉ શનિવારે એમ જાણવા મળ્યું હતું કે, દિનેશને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. પરંતુ બાદમાં દયાનંદ શેટ્ટીએ પુષ્ટિ કરી હતી કે તેમને હાર્ટ એટેક આવ્યો ન હતો, પરંતુ તેમનું લિવર ડેમેજ થયું હતું. દિનેશના અંતિમ સંસ્કાર દૌલતનગર સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
CIDમાં ઈન્સ્પેક્ટર બનીને નામના મેળવી હતી
દિનેશ ફડનીસની વાત કરીએ તો તેમને લોકપ્રિય ટીવી શો CIDથી મોટી ઓળખ મળી. આ શોમાં તે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સના રોલમાં જોવા મળ્યા હતા. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.આ શો પહેલીવાર વર્ષ 1998માં પ્રસારિત થયો હતો. તે માત્ર CIDમાં જ નહીં પરંતુ લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ જોવા મળ્યા હતા. તેણે રિતિક રોશનની ‘સુપર 30’ અને ‘સરફરોશ’ જેવી ફિલ્મોમાં સપોર્ટિગ એક્ટર તરીકે કામ કર્યું હતું.
એક રિપોર્ટ મુજબ, CID પછી દિનેશ અચાનક સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો. તેમના વિશે એવા અહેવાલો હતા કે તેમણે અભિનય છોડી દીધો હતો અને મરાઠી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું. દિનેશના ચાહકો તેને ફરીથી સ્ક્રીન પર અદ્ભુત પ્રદર્શન કરતા જોવા માંગતા હતા. પરંતુ કમનસીબે આ પહેલા જ દિનેશ દુનિયાને અલવિદા કહી દીધું છે. 57 વર્ષની નાની વયે દિનેશના અવસાનથી તેમના ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. અભિનેતાના મિત્રોથી લઈને તેમના પરિવારજનો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટ એટેકથી આકસ્મિક મોતનો એક વર્ષનો આંકડો જાણી રહેશો દંગ