

જર્મનીના હેમ્બર્ગ શહેરમાં એક ચર્ચમાં ગોળીબારની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં સાત લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હેમ્બર્ગ પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ગોળીબાર એલ્સ્ટરડોર્ફ વિસ્તારના વિટનેસ ચર્ચમાં થયો હતો. ઘટનાસ્થળે મોટાપાયે બચાવ કામગીરી ચાલી રહી છે. હેમ્બર્ગ પોલીસે ટ્વીટ કર્યું કે તેઓ હાલમાં હુમલાના કારણની તપાસ કરી રહ્યા છે.
પોલીસ કાફલો તૈનાત કરાયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોળીબાર ડીલબોગે સ્ટ્રીટ પર એક ચર્ચમાં થયો હતો. પોલીસે ટ્વીટ કર્યું કે પ્રાથમિક તપાસ મુજબ, ગ્રોસ બોર્સ્ટેલ જિલ્લામાં ડેલબોગે સ્ટ્રીટ પરના વિટનેસ ચર્ચમાં ગોળી ચલાવવામાં આવી હતી. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા, કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
હુમલાખોરો જીવીત છે કે કેમ તે સ્પષ્ટ નથી
મીડિયા અહેવાલો અનુસાર, ઓપરેશન દરમિયાન નજીકમાં રહેતા રહેવાસીઓને તેમના ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલાખોર ફરાર હોવાના કોઈ ચિહ્નો નથી. તેમણે કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે શૂટર માર્યા ગયેલાઓમાં સામેલ છે કે કેમ ? ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલામાં કેટલા લોકો માર્યા ગયા તે અંગે પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી.