જેસિન્ડા આર્ડર્નના સ્થાને ક્રિસ હિપકિન્સ બનશે ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્નના રાજીનામાની જાહેરાત બાદ એ જ સવાલો ઉઠી રહ્યા હતા કે ન્યુઝીલેન્ડના આગામી વડાપ્રધાન કોણ હશે. આ સવાલો પર પૂર્ણવિરામ મુકતા લેબર પાર્ટીએ કહ્યું કે ક્રિસ હિપકિન્સ હવે જેસિન્ડાની જગ્યા લેવા માટે તૈયાર છે. પક્ષના નેતૃત્વ માટે નામાંકિત થનાર તેઓ એકમાત્ર ઉમેદવાર હતા.
રવિવાર (22 જાન્યુઆરી)ના રોજ યોજાનારી બેઠકમાં લેબર પાર્ટીના 64 સાંસદો અથવા કોકસના નવા નેતા તરીકે હિપકિન્સની પુષ્ટિ થવાની અપેક્ષા છે. 44 વર્ષીય હિપકિન્સ, જેઓ સૌપ્રથમ 2008માં લેબર પાર્ટી માટે સંસદમાં ચૂંટાયા હતા, તેઓ નવેમ્બર 2020 માં COVID-19 માટે પ્રધાન તરીકે નિયુક્ત થયા પછી પ્રસિદ્ધિ પામ્યા હતા.
પીએમ પદ માટે સૌથી લોકપ્રિય ઉમેદવારો
હિપકિન્સ હાલમાં પોલીસ, શિક્ષણ અને જાહેર સેવા મંત્રી તેમજ ગૃહના નેતા છે. એક મતદાન દર્શાવે છે કે ક્રિસ હિપકિન્સ 26 ટકા સમર્થન સાથે મતદારોમાં સૌથી લોકપ્રિય PM ઉમેદવાર હતા. પીએમ તરીકે હિપકિન્સની નિમણૂક પહેલા વર્તમાન પીએમ જેસિન્ડા આર્ડર્ન ગવર્નર જનરલને પોતાનું રાજીનામું સુપરત કરશે. આજે (21 જાન્યુઆરી) અર્ડર્ન પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યા છે.
જેસિન્ડા આર્ડર્ન રાજીનામું આપશે
હકીકતમાં, જેસિન્ડા આર્ડર્ને જાહેરાત કરી હતી કે તેઓ આવતા મહિને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે. તેણે કહ્યું કે તેણે છ વર્ષથી આ “પડકારરૂપ” પદ સંભાળવા માટે સખત મહેનત કરી છે. તે પછી, તેના માટે આગામી ચાર વર્ષમાં યોગદાન આપવા માટે કંઈ ખાસ બાકી નથી. તેથી જ તે આવતા વર્ષે ચૂંટણી નહીં લડે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી ચૂંટણીમાં લેબર પાર્ટી સરકાર બનાવશે.
આ પણ વાંચો : IND vs NZ: ટોસ દરમિયાન રોહિત શર્માએ કરી મોટી ભૂલ, VIDEO જોઈને તમે પણ હસવા લાગશો