કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ઉપલેટામાં કોલેરાથી હાહાકાર, પાંચ દિવસમાં 5 બાળકોના મૃત્યુ થતાં આરોગ્ય તંત્ર દોડતુ થયું

રાજકોટ, 28 જૂન 2024, ઉપલેટામાં શનિવારે કોલેરાથી 4 બાળકનાં મૃત્યુ નીપજ્યાં બાદ 2 બાળકમાં ઝાડા-ઊલટીનાં લક્ષણો જણાતાં તેમનાં સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. એ બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યાનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યું છે. કોલેરાને કારણે બાળકોનો મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે.કોલેરા જાહેર થાય તો એ આખો વિસ્તાર જોખમી જાહેર કરવામાં આવતો હોય છે.આ રોગચાળા અન્વયે કુલ 10 કર્મચારીને શો-કોઝ નોટિસ અપાઇ છે. ખુલાસા બાદ આગળની કાર્યવાહી કરાશે. ઉપલેટાના આ વિસ્તારમાંથી ઝાડા-ઊલટીના 48 કેસ મળ્યા છે.

છ ફેક્ટરીના માલિકો સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે
ઉપલેટાનાં ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં કામ કરતા મજૂરોના કાર્તિક, કવિતા, સેજલી, બંસી નામનાં 4 બાળકનાં પાંચ દિવસ પહેલાં કોલેરાથી મૃત્યુ થયાં હતાં. થોડા દિવસ પહેલાં જ બાળકોની તબિયત બગડી હતી. આ બાળકોને સારવારમાં અલગ-અલગ જગ્યા પર ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન બાળકોનાં મૃત્યુ નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.ચાર માસૂમ બાળકોનાં મૃત્યુ થયાંનું સ્પષ્ટ બન્યું છે. ઉપલેટા મામલતદારને તાત્કાલિક અસરથી આ છ ફેક્ટરીના બોર અને કૂવા સીલ કરવાના આદેશ કર્યા હતા તેમજ આ છ ફેક્ટરીના માલિકો સામે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એક્ટ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે.

જળસ્ત્રોતના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના જણાવ્યા અનુસાર, ઉપલેટાના તાણસવા ગામે પલ્સ પોલિયો અભિયાન દરમિયાન અમુક ઝાડા-ઊલટીના કેસો સામે આવ્યા હતા, જ્યારે જામનગરથી કોલેરાનો એક કેસ સામે આવતાં જ અહીં સર્વેલન્સ ટીમો ઉતારવામાં આવી હતી. 24 કલાક ડોક્ટર સહિત આરોગ્યની ટીમ આ વિસ્તારમાં ખડેપગે રાખવામાં આવી છે. ઝિંક અને ORSની દવાઓ પણ આપવામાં આવી રહી છે. રાજકોટની સિવિલમાંથી નિષ્ણાત તબીબોની ટીમો બોલાવવામાં આવી છે અને દવાઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે.લોકોને સમજણ આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બાળકોનાં મોતની ઘટના કોલેરાના કારણે બની હોવાની શક્યતા છે. આ રોગ પાણીજન્ય હોવાથી અહીંના તમામ જળસ્ત્રોતના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

3 અધિકારીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પપ્પુસિંહે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કારખાનેદારોની જવાબદારી છે કે તેમણે અમને ઘટના અંગે જાણ કરી ન હતી, આથી આ કારખાનેદારોને નોટિસ આપી તમારા કામદારોનાં અનઅપેક્ષિત મૃત્યુ થયાં તો શા માટે જાણ ન કરી એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓની બેદરકારી સંદર્ભે પણ વર્ગ-1ના ક્લાસ અધિકારી હેઠળ 3 અધિકારીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ક્યાં કચાશ રહી ગઈ? શા માટે આવડી મોટી ઘટનાની જાણ આટલી બધી મોડી થઈ? એની તપાસ કરી કાર્યવાહી કરાશે.

આ પણ વાંચોઃરાજકોટમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતી બાળકી લિફ્ટ નીચે દબાઈ, ડોક્ટરે મૃત જાહેર કરી

Back to top button