Chocolate Day: જાણો ચોકલેટ ખાવાના Health Benefits
ચોકોલેટ ખાવી સ્વાસ્થ્ય માટે સારી ગણાય છે. આજે વેલેન્ટાઇન વીકનો ચોકોલેટ ડે છે. તમે પણ તમારા પાર્ટનરને, પ્રિયજનને અથવા તમારા દોસ્તોને ચોકલેટની ગિફ્ટ આપશો. તમે તમારી જાતને પણ ચોકલેટ ગિફ્ટ કરી શકો છો. જો તમે ડાર્ક ચોકલેટ ખરીદશો તો તેના અનેક હેલ્થ બેનિફિટ્સનો તમે લાભ લઇ શકશો. ડાર્ક ચોકોલેટ બ્લડ શુગર લેવલ ઘટાડે છે. હ્રદય રોગ જેવી ગંભીર બિમારીઓથી શરીરને દુર રાખે છે. ડાર્ક ચોકોલેટ ખાવાથી સ્ટ્રેસ ઘટે છે. જાણો ડાર્ક ચોકલેટ ખાવાથી સ્વાસ્થ્યને અન્ય કયા ફાયદા થાય છે?
શેમાંથી બને છે ડાર્ક ચોકલેટ?
ડાર્ક ચોકલેટ કોકો બીન્સમાંથી બને છે. ડાર્ક ચોકલેટમાં મિલ્ક ચોકલેટ કરતાં 50 થી 90 ટકા વધુ કોકા સોલિડ્સ, કોકો બટર અને ખાંડ હોય છે. તેમાં આયર્ન, કોપર, ફ્લેવેનોલ્સ, ઝિંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
હૃદય સ્વસ્થ રહે છે
યૂરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. એ વાતનું ધ્યાન રાખો કે તમારે ચોકલેટનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઇએ. જો સંતુલિત માત્રામાં ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે તો હૃદય માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
ડિપ્રેશન દૂર કરે છે
ડાર્ક ચોકલેટ મૂડને સારો કરવામાં મદદરૂપ થઈ શકે છે. ડાર્ક ચોકોલેટ ખાવાથી ડિપ્રેશન દુર થાય છે. એક સંશોધનમાં ત્રણ દિવસ સુધી ડાર્ક ચોકલેટના સેવનથી કેટલાક લોકોમાં ડિપ્રેશનના લક્ષણોમાં સુધારો જોવા મળ્યો છે. સંશોધનોને આધારે ડાર્ક ચોકલેટને ડિપ્રેશનની સમસ્યામાં ઉપયોગી ગણી શકાય.
કોલેસ્ટ્રોલ માટે ડાર્ક ચોકલેટના ફાયદા
વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં કરવામાં પણ ડાર્ક ચોકલેટ ફાયદાકારક છે. સંશોધન દર્શાવે છે કે ઓછી ચરબીવાળા આહાર સાથે પ્લાન્ટ સ્ટીરોલ્સ અને કોકો ફ્લેવેનોલ્સ ધરાવતી ડાર્ક ચોકલેટનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. આ સાથે બ્લડ પ્રેશરમાં પણ તેના ઉપયોગથી સુધારો જોવા મળે છે.
એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે
શરીરને રોગોથી બચાવવા અને તેને સ્વસ્થ રાખવા માટે એન્ટિઓક્સિડન્ટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એન્ટિઓક્સિડન્ટ્સ કોષોને નુકસાનથી બચાવવા માટે મદદરૂપ છે. મોટાભાગના ફળો અને શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. તે રીતે ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. કોકોને તે ખાદ્ય પદાર્થોની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે, જેમાં એન્ટીઓક્સીડેન્ટની ઊંચી માત્રા જોવા મળે છે.
શરદી અને ફલૂથી બચાવે છે
બદલાતી ઋતુની સાથે નાના-મોટા રોગો પણ થાય છે. શરદી અને ફ્લૂ પણ તેમાંથી એક છે. આવી સ્થિતિમાં, શરદીથી બચવા માટે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકાય છે. ડાર્ક ચોકલેટમાં થિયોબ્રોમિન નામનો રાસાયણિક પદાર્થ હોય છે. આ પદાર્થ શ્વસનતંત્ર સંબંધિત સમસ્યાઓ પર અસરકારક રીતે કામ કરી શકે છે. આ રીતે ડાર્ક ચોકોલેટ શરદીમાં પણ ઉપયોગી છે.
એનર્જી આપે છે
ડાર્ક ચોકલેટ એનર્જી વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ડાર્ક ચોકલેટ સંબંધિત એક સંશોધનથી આ સ્પષ્ટ થયું છે. તમે જ્યારે થાક્યા હોય અને તમને એવુ લાગતુ હોય કે તમે કોઇ કામ કરી શકવાના મુડમાં નથી. આવા વખતે જો તમે ડાર્ક ચોકોલેટનો ટુકડો ખાઇ લેશો તો એનર્જી આવી જશે.
સ્કીન બ્યુટીફુલ બનાવશે ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ ત્વચાને સ્વસ્થ રાખવા માટે પણ ફાયદાકારક છે. કોકોમાં રહેલા ડાયેટરી ફ્લેવોનોલ્સ ફોટો-પ્રોટેક્શન પ્રદાન કરે છે અને ત્વચામાં રક્ત પરિભ્રમણને પણ સુધારી શકે છે. આ સિવાય ડાર્ક ચોકલેટ ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવી શકે છે. એટલું જ નહીં, ડાર્ક ચોકલેટ ત્વચા પર દેખાતી વૃદ્ધત્વની અસરને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. ડાર્ક ચોકોલેટ એન્ટીએજિંગ કહેવામાં કંઇ જ ખોટુ નથી. ધ્યાનમાં રાખો કે જરૂર કરતાં વધુ ડાર્ક ચોકલેટનું સેવન ટાળો કારણ કે તે ખીલ અને પિમ્પલ્સની સમસ્યા પણ પેદા કરી શકે છે.
હેલ્ધી હેર માટે
ડાર્ક ચોકલેટમાં વપરાતા કોકોમાં કોપર, ઝિંક અને આયર્ન જેવા ખનિજો મળી આવે છે, જે વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત, એ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે ચોકલેટ ખાવાથી માથાની ચામડીમાં લોહીનો પ્રવાહ વધે છે, જે વાળને મજબૂત બનાવે છે .
આ પણ વાંચોઃ RBIએ સતત છઠ્ઠી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો કેટલી વધશે તમારી EMI!