ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી બની જીવલેણ, વડોદરાના હોકી પ્લેયરનું મોત
ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા પતંગ રસિયાઓ પતંગો ચગાવવાની શરૂઆત કરી દેતા હોય છે. ઉત્તરાયણના આ તહેવારની મજા ક્યારેક કોઈના માટે જીવલેણ સાબીત થતી હોય છે. ઉત્તરાયણ પર પોતાની પતંગ કપાઈ ન જાય તેના માટે ધારદાર દોરી વડે પતંગ ચગાવતા લોકોને કારણે ક્યારેક નિર્દોષ લોકોને જીવ ગૂમાવવો પડતો હોય છે. ત્યારે ગઈ કાલે વડોદરામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો જેમાં ચાઈનીઝ દોરી વાગવાથી ગુજરાતના જાણીતા હોકી પ્લેયરનું મોત થયું હતું.
ચાઈનીઝ દોરીથી વડોદરાના હોકી પ્લેયરનું મોત
મળતી માહીતી મુજબ ગઈ કાલે વડોદરામાં ચાઈનીઝ દોરીથી ગિરીશ બાથમ નામના હોકી પ્લેયર મોત થયું હતું. ગિરીશ બાથમ નવાપુરા વિસ્તારમાં આવેલા ખંડોબા મંદિરની પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન પતંગની દોરીથી હોકી પ્લેયરનું ગળુ કપાયું હતું, અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અને તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ગિરીશ બાથમ ગુજરાતના જાણીતા હોકી પ્લેયર
ગિરીશ બાથમ ગુજરાતના જાણીતા હોકી પ્લેયર હતા. તેમની ઉંમર 30 વર્ષની હતી અને તેઓ ભાથુજીનગર દંતેશ્વરનો રહેવાસી હતા. ગિરીશ બાથમ બરોડા હોકી કલબ તરફથી રમતો હતો.
ચાઈનીઝ દોરીના કારણે ઘાતકી ઘટનાઓમાં વધારો
ઉત્તરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ ઉત્તરાયણની આ મજા ઘણીવાર અન્ય લોકો માટે સજા બની જાય છે. છેલ્લા કેટલાક સમયની વાત કરવામાં આવે તો જ્યારથી ધારદાર ચાઈનીઝ દોરાએ ઉત્તરાયણમાં પગ જમાવ્યો છે ત્યારથી ઘાતકી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે પોલીસ વિભાગે પણ ચાઇનીઝ દોરી નહીં વેચવાનો પરિપત્ર જાહેર કર્યો છો છચા પણ ચાઈનીઝ દોરીનુ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે હવે ઉત્તરાયણ નજીક આવતા જ ચાઈનીઝ દોરીના કારણે આવી ઘાતકી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે નોટબંધીને પડકારતી તમામ અરજીઓ ફગાવી, જાણો શું કહ્યું