CORONA VIRUS UPDATE: ચીન સહિત દુનિયાના તમામ દેશોમાં કોરોના ફરીથી પ્રસરી રહ્યો છે. દુનિયામાં છેલ્લાં એક સપ્તાહમાં કોરોનાના 36 લાખ નવા કેસ સામે આવ્યા છે. તો આ 7 દિવસમાં 10 હજાર લોકોના મોત નિપજ્યા છે. ચીન ઉપરાંત આર્જેન્ટીના, બ્રાઝીલ અને જાપાનમાં પણ કેસ ઝડપથી વધી રહ્યાં છે. વિશ્વભરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને ભારત સરકારે પણ કોરોના અંગે એક સમીક્ષા બેઠક બોલાવી છે.
છેલ્લાં એક સપ્તાહમાં દુનિયભારમાં 36 લાખ કેસ
છેલ્લે 7 દિવસમાં વિશ્વભરમાં કોરોનાના 36,32,109 કેસ સામે આવ્યા છે. એકલા જાપાનમાં 10,55,578 કેસ નોંધાયા છે. તો દક્ષિણ કોરિયામાં 4,60,766, બ્રાઝીલમાં 2,84,200, અમેરિકામાં 2,72,075, જર્મનીમાં 2,23,227, હોંગકોંગમાં 1,08,577, ચીનના પાડોશી તાઈવાનમાં 1,07,381 કેસ મળ્યા છે.
છેલ્લાં એક અઠવાડીયામાં 10 હજારનાં મોત
જાપાનમાં કોરોનાને કારણે છેલ્લાં 7 દિવસમાં 1670 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત અમેરિકામાં પણ 1607 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે દક્ષિણ કોરિયામાં 335, ફ્રાંસમાં 747, બ્રાઝીલમાં 973, જર્મનીમાં 868, હોંગકોંગમાં 226, તાઈવાનમાં 203, ઈટાલીમાં 397 લોકોના મોત નિપજ્યા છે.
છેલ્લાં 24 કલાકમાં કયાં કેટલા કેસ?
છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં 22,757 કેસ સામે આવ્યા છે. જ્યારે જાપાનમાં 72,297 કેસ, જર્મનીમાં 55,016 કેસ, બ્રાઝીલમાં 29,759 કેસ, દક્ષિણ કોરિયામાં 26,622 કેસ, ફ્રાંસમાં છેલ્લાં 24 કલાકમાં 8213 કેસ સામે આવ્યા છે.જ્યારે તાઈવાનમાં 10,359 કેસ અને રશિયામાં 6341 કેસ નોંધાયા છે.
તો કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 140, ફ્રાંસમાં 178, જર્મનીમાં 161, બ્રાઝીલમાં 140, જાપાનમાં 180 લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.
ભારતમાં પણ એલર્ટ
દુનિયાભરમાં વધી રહેલા કેસને લઈને ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ મોકલ્યું છે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે તેઓ કોવિડના નવા પોઝિટિવ દર્દીઓના સેમ્પલ NSACOG (Indian SARS-CoV-2 Genomics Consortium) મોકલે જેથી આ સેમ્પલથી જિનોમ સીક્વેન્સિંગ થઈ શકે અને જો કોરોનાનો નવો વેરિયન્ટ છે તો તેને ટ્રેક કરી શકાય.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે આ પ્રકારની કવાયતથી દેશમાં નવા વેરિયન્ટ જો હશે તો તેનો યોગ્ય સમયે ખ્યાલ આવી જશે અને પછી તેના આધારે કેન્દ્ર સરકાર જરૂરી સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયની સુવિધા પ્રદાન કરશે. હાલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને INSACOG દેશમાં કોરોનાના ટ્રેન્ડ પર નજર રાખી રહ્યાં છે.