ચીની જહાજની હિંદ મહાસાગરમાં ઘુસણખોરી, ભારતીય નેવી સતર્ક
સરહદ પર ભારતને દાદાગીરી દેખાડવા માટે વિવિધ યુક્તિઓ કરી રહેલું ચીન હવે દરિયામાં પણ ભારતને આંખો દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સંશોધન જહાજ મોકલ્યું હતુ. ત્યારે ચીનની આ કરતુત બાદ ભારતીય નેવી એલર્ટ થઈ ગઈ છે. નેવીએ તે ચીની જહાજ પર ચાંપતી નજર રાખી છે. હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ જહાજનો હેતુ ભારતીય નૌકાદળની ગતિવિધિઓ પર નજર રાખવાનો પણ હોઈ શકે છે.
ભારત પર નજર રાખવા ચીની મહાસાગરમાં ઘુસણખોરી
સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનનું જહાજ હિંદ મહાસાગરમાં છે, પરંતુ તે ભારતના દરિયાઈ વિસ્તારથી ઘણું દૂર છે. આ પછી પણ ભારતીય નૌકાદળનું એક માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી) સુરક્ષાની દૃષ્ટિએ ચીનના જહાજ પર સતત નજર રાખી રહ્યું છે. વાસ્તવમાં ચીન પોતાના સેટેલાઇટ લોન્ચ પર નજર રાખવા માટે આવા સંશોધન સંબંધિત જહાજો મોકલતું રહે છે. પરંતુ આ વખતે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જહાજનો હેતુ ભારતીય મિસાઈલને ટ્રેક કરવાનો હોઈ શકે છે, જે થોડા મહિનામાં લોન્ચ થવાની છે.
આ પણ વાંચો: PM મોદી આજે હિમાચલની મુલાકાતે, બે સ્થળોએ ચૂંટણી રેલી સંબોધશે
ભારતીય નેવી સતર્ક
હિંદ મહાસાગરને ભારતનું આંગણું કહેવામાં આવે છે. રાજદ્વારી અને રાજનૈતિક પરિભાષામાં હિંદ મહાસાગરને ભારતનું બેકયાર્ડ કહેવામાં આવે છે. આ સમુદ્ર સાથે ભારતનો મજબૂત રાજકીય, આર્થિક અને સામાજિક સંબંધ પણ છે. દેશના વિદેશી વેપારનો મોટો હિસ્સો આ માર્ગથી થતો હતો અને હજુ પણ થાય છે. પણ ભારતનું આ આંગણું ખુલ્લી આંખે ચીનને શોભતું નથી. ચીને વારંવાર હિંદ મહાસાગરમાં યુએસ, રશિયા અને ઓસ્ટ્રેલિયાની નૌકાદળની મુક્ત અવરજવર પર સવાલ ઉઠાવ્યા છે. તેમજ આ વખતે પોતાનું સંશોધન જહાજ મોકલતા હવે ભારતીય નેવી સતર્ક થઈ છે.