ચીનમાં ભુત ભગાડતી વખતે એક યુવતીનું મોત, માતા-બહેનને 3 વર્ષની સજા, જાણો શું છે મામલો?

ચીનના દક્ષિણી શહેર શેનઝેનમાં એક એવી ઘટના બની જે સાંભળીને રુવાંડા ઊભા થઈ જાય. એક પરિવાર અંધશ્રદ્ધાના જાળમાં એટલો ફસાયો કે તેની કિંમત એક યુવતીના જીવથી ચૂકવવી પડી. માતા અને મોટી બહેને ભૂત ભગાવવાની વિધિ કરતાં નાની દીકરીનું મોત થઈ ગયું. કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે, પરંતુ આ કિસ્સો માત્ર એક ઘટના નથી– તે આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા કેવી રીતે જીવ લઈ શકે છે તેનું જીવંત ઉદાહરણ છે.
કેવી રીતે શરૂ થઈ આ દુઃખદ કહાની?
ગુઆંગડોંગ પ્રાંતના શેનઝેનમાં રહેતી લી નામની મહિલા અને તેની બે પુત્રીઓ અંધશ્રદ્ધાળુ માન્યતાઓમાં ઊંડા ઊતરી ગયા હતા. તેઓ માનતા હતા કે રાક્ષસો તેમના પર હુમલો કરે છે, તેમની આત્માઓ વેચાઈ ગઈ છે અને ટેલિપેથી જેવી વાતો સાચી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં (2024ના અંતમાં) નાની પુત્રીએ અચાનક કહ્યું કે તેના પર ભૂતનો પ્રકોપ છે. તેણે જ માતા અને મોટી બહેનને વળગાડ મુક્તિ માટે જાડ-ફુંક કરવા કહ્યું હતુ.
માતા અને મોટી બહેને તરત જ વિધિ શરૂ કરી. તેઓએ યુવતીની છાતી પર જોરથી દબાવ્યું અને ઉલટી કરાવવા માટે તેના ગળામાં પાણી રેડ્યું. આ વખતે પીડિત યુવતીએ કહ્યું: “આ કરતા રહો, મને રાહત થાય છે” આ સાંભળીને બંનેએ વધુ જોરથી વિધિ ચાલુ રાખી.
પરંતુ બીજા દિવસે સવારે પરિવારના અન્ય સભ્યોએ જોયું તો યુવતીના મોંમાંથી લોહી વહી રહ્યું હતું અને તે બેહોશ પડી હતી. પોલીસને બોલાવી, પરંતુ ડોક્ટરોએ તેને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરી. કારણ? છાતી પર વધુ પડતું દબાણ અને પાણીનું ગળામાં જવાથી થયેલું ગૂંગળામણ અને આંતરિક ઈજા.
કોર્ટનો ચુકાદો શું કહે છે?
શેનઝેન કોર્ટે જુલાઈ 2025માં માતા લી અને મોટી પુત્રીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. પરંતુ આ સજા ચાર વર્ષ માટે મુલતવી કરવામાં આવી, એટલે કે તેઓ તરત જ જેલ નહીં જાય – જો આ સમયગાળામાં કોઈ નવો ગુનો ન કરે તો.
કોર્ટે સ્પષ્ટ કહ્યું, “માતા અને બહેનનો હત્યા કરવાનો કોઈ ઈરાદો નહોતો. તેઓ ખરેખર માનતા હતા કે તેઓ પુત્રીને મદદ કરી રહ્યા છે. પરંતુ તેમની બેદરકારીથી મોત થયું, જે ગુનાહિત બેદરકારી છે.”
સોશિયલ મીડિયા પર ખળભળાટ
આ કિસ્સો ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થયો. લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી. લોકોએ અંધશ્રદ્ધા પર આકરા પ્રહાર કર્યા. એકે કહ્યું: “આ કેવી કલ્ટ વિચારસરણી છે? આપણે 2025માં જીવીએ છીએ કે મધ્યયુગમાં?”. બીજાએ લખ્યું: “આ ભયાનક અને બેવકૂફીભરી ત્રાસદી છે. વિજ્ઞાનનું શિક્ષણ વધારવું જોઈએ!” ત્રીજા એક યુઝરે કહ્યું: “અંધશ્રદ્ધાળુઓ હઠીલા હોય છે. વાસ્તવિકતા સ્વીકારવાને બદલે કહેશે કે ‘રાક્ષસ ખૂબ શક્તિશાળી હતો”.
આ ઘટના દર્શાવે છે કે આધુનિક ચીનમાં પણ અંધશ્રદ્ધા કેટલી ઊંડી છે અને તે કેવી રીતે પરિવારોને તોડી નાખે છે. આશા છે કે આ કિસ્સો લોકોને જાગૃત કરે અને વિજ્ઞાન તરફ વાળે.
આ પણ વાંચો: ચીનમાં ભૂતપૂર્વ મેયરને મોતની સજા, તેમના ઘરેથી મળી અધધધ રોકડ અને સોનુ, ભ્રષ્ટાચારના મોટા કેસમાં દોષિત












