ચીને કાશ્મીરને ‘વિવાદિત ક્ષેત્ર’ કહ્યું, G20 બેઠકમાં ભાગ લેવાનો કર્યો ઈન્કાર!
ચીને ફરી એકવાર ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે. ચીને કહ્યું કે તે આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ભાગ લેશે નહીં. દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો વિરોધ કરી રહેલા અને તેના વલણથી પાકિસ્તાનની તરફેણ કરી રહેલા ચીને એ પણ કહેવાની હિંમત કરી છે કે તે ‘વિવાદિત’ પ્રદેશમાં આવી કોઈપણ બેઠક યોજવાનો ‘જોરદાર’ વિરોધ કરે છે. ભારતની અધ્યક્ષતામાં ત્રીજી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક 22 થી 24 મે દરમિયાન જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં યોજાવાની છે.
G20 બેઠકનો ચીને કર્યો બહિષ્કાર
એક નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનને પૂછવામાં આવ્યું કે શું ચીન ભારતીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં આયોજિત G20 બેઠકનો બહિષ્કાર કરવા જઈ રહ્યું છે? તેમણે કહ્યું કે ‘ચીન વિવાદિત પ્રદેશ પર કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે(ચીન) આવી બેઠકમાં ભાગ લેશું નહીં. જોગાનુજોગ ચીન પાકિસ્તાનનું નજીકનું સાથી છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધીઓને કારણે ઠીક નથી.
G20 બેઠકથી જમ્મુ અને કાશ્મીરને કેટલો ફાયદો?
ટુરિઝમ ઈન્ડસ્ટ્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જો કે અસ્થિરતાએ પ્રવાસન ઉદ્યોગને અસર કરી છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે G20ની બેઠક વિશ્વભરના રોકાણકારો અને પ્રવાસીઓને કાશ્મીર તરફ આકર્ષિત કરી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં G20 સમિટ પરિવર્તનની લહેર શરૂ કરી શકે છે. આ રાજ્યને બેઠક સ્થિરતા, આર્થિક વૃદ્ધિ અને સામાજિક વિકાસના નવામાર્ગ પર લઈ જઈ શકે છે.
આ પણ વાંચો: હિંદ મહાસાગરમાં લાચાર બન્યું ચીન, ડૂબેલ જહાજને શોધવા ભારતે મોકલ્યા વિમાન!