ચીનની અવળચંડાઈ, LeT આતંકવાદીને બચાવ્યો, ભારત-USના પ્રસ્તાવ પર UNમાં લગાવ્યો વીટો
આતંકવાદને લઈને ચીન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સામે આવ્યું છે. ચીને લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી સાજિદ મીરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને અવરોધ્યો છે. અમેરિકાએ સાજિદ મીર પર 5 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચીને સંયુક્ત રાષ્ટ્રમાં મીરને નામાંકિત કરવાના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી હતી. સાથે જ ચીને આ પ્રસ્તાવને રોકી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને બ્લેક લિસ્ટમાં લાવવાના પ્રસ્તાવોને ચીન પહેલા પણ ઘણી વખત રોકી રહ્યું છે.
સાજિદ મીર મુંબઈ હુમલાનો આરોપી
આતંકવાદી સાજિદ મીર 26/11ના મુંબઈ હુમલામાં વોન્ટેડ છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)એ 2008માં આતંકવાદીઓને મુંબઈ મોકલીને આ હુમલા કર્યા હતા. આ દરમિયાન આતંકીઓએ હોટલ, હોસ્પિટલ, કાફે, રેલ્વે સ્ટેશન સહિત ઘણી જગ્યાઓને નિશાન બનાવી હતી. જેમાં 170થી વધુ લોકોના મોત થયા હતા.
China blocks proposal by India and US at United Nations to designate LeT terrorist Sajid Mir, wanted in 26/11 attacks, as global terrorist
— Press Trust of India (@PTI_News) June 20, 2023
આ હુમલામાં છ અમેરિકનો પણ માર્યા ગયા હતા. આતંકવાદી મીર કથિત રીતે હુમલાનો મુખ્ય પ્લાનર હતો. તેણે હુમલા દરમિયાન આતંકીઓને સૂચના આપી હતી. આ સિવાય સાજિદ મીરે 2008 થી 2009 વચ્ચે ડેનમાર્કમાં એક ન્યૂઝ પેપરના કર્મચારીઓ પર કથિત રીતે આતંકી હુમલાની યોજના બનાવી હતી.
અમેરિકાએ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું
21 એપ્રિલ, 2011ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સહિત અનેક અદાલતોએ મીર પર આરોપો ઘડ્યા હતા. તેના પર વિદેશી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવાનો, આતંકવાદીઓને મદદ કરવાનો, યુનાઇટેડ સ્ટેટ્સની બહાર એક નાગરિકની હત્યા કરવાનો અને જાહેર સ્થળો પર બોમ્બ ધડાકા કરવાનો આરોપ હતો. અમેરિકાએ 22 એપ્રિલ 2011ના રોજ મીર વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.