થરાદના નાનોલ, આસોદર ગામે વિધાનસભાના અધ્યક્ષના હસ્તે બાળકોને શાળા પ્રવેશ અપાયો
પાલનપુરઃ 28 જૂન 2024 ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે.જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪ ઉજવવામાં આવ્યો હતો. આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં નાનોલ અને આસોદર ખાતે પ્રાથમિક શાળામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
વાલીઓ પણ પોતાના બાળકો ભણે એ માટે જાગૃત બન્યા
ત્રી દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત થરાદ તાલુકાના નારોલી, વારા, લોરવાડા, થરાદ, ભોરોલ, આસોદર અને નાનોલમાં સહભાગી બનેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણનું મહત્વ તેમજ કન્યા કેળવણીના મહત્વ વિશે સમજાવ્યું હતું.તેમણે ઉમેર્યું કે,નવી જનરેશન ઉત્સાહ સાથે શિક્ષણમાં રસ લઈ રહી છે. વાલીઓ પણ પોતાના બાળકો ભણે એ માટે જાગૃત બન્યા છે.
પહેલ આજે એક અભિયાન સ્વરૂપે સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી આ પહેલ આજે એક અભિયાન સ્વરૂપે સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકારને પણ અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે થરાદ પ્રાંત અધિકારી, ટી.પી.ઇ.ઓ ,બી.આર.સી.કો ઓર્ડીનેટર, સી.આર.સી કો ઓર્ડીનેટર, આસોદર, નાનોલ સબ સેન્ટરની આરોગ્ય ટીમ, ગ્રામ પંચાયતના વહીવટદાર, તલાટી કમ મંત્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં મોબાઈલવાન સહિત ત્રણ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરાયું