જીવના જોખમે બાળકોએ પિતાને બચાવ્યાઃ ખૂંખાર દીપડા જોડે 10 મિનિટ સુધી લડ્યાં
બિજનૌર, 29 સપ્ટેમ્બર, પિતા અને બાળકો વચ્ચે અતૂટ બંધનમાં પ્રેમ, હુંફ, લાગણી, વિશ્વાસ અને શ્રદ્ધા જેવા સદગુણો સમાયા છે, જે બંધનને મજબૂત કરે છે. એક બાળકના જીવનમાં પિતા કેટલી ભૂમિકાઓ ભજવે છે? તેણે પ્રમાણ આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિજનૌર જિલ્લામાં એક દીપડાએ હોમગાર્ડ જવાન અને તેનાં બાળકો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ હોમગાર્ડના બાળકોએ પિતાને બચાવવા જીવ જોખમમાં મૂકીને દીપડા સાથે લડાઈ કરી હતી અને આ દરમિયાન અવાજ સાંભળતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને દીપડાને મારીને બધાને બચાવી લીધા હતા.
ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દીપડાએ હોમગાર્ડ પર અચાનક આવી હુમલો કર્યો, ત્યારબાદ હોમગાર્ડનાં બાળકોએ દીપડા સાથે લડાઈ કરી અને આ દરમિયાન અવાજ સાંભળતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને બધાને બચાવી લીધા હતા
આ ઘટના શુક્રવારે સાંજે અમનનગર ગામમાં બની હતી. ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર જ્ઞાન સિંહે જણાવ્યું કે હોમગાર્ડ જવાન સુરેન્દ્ર તેના બાળકો દિશા રેશુ અને દીપાંશુ સાથે ઘરની પાછળના ટ્યુબવેલ પર ગયો હતો. પિતા તેમના બાળકો સાથે ખેતરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે દીપડો ઝાડ પરથી નીચે આવ્યો અને તેમના પર હુમલો કર્યો હતો. પિતાનો જીવ જોખમમાં છે તે જોઈને પુત્ર-પુત્રીઓ કંઈ સમજી શક્યા ન હતા ત્યારે તેઓએ કોઈક રીતે હિંમત એકઠી કરી દીપડાને પકડી લીધો હતો. બંનેએ દીપડાને બરાબર પકડી રાખીને તેને વશમાં રાખવા 10 મિનિટ સુધી મથામણ કરી હતી. આ દરમિયાન હોહા સાંભળીને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને દીપડાને લાકડીઓ વડે માર માર્યો હતો.
દિશાએ હિંમત બતાવીને દીપડાના પગ પાછળથી પકડી લીધા અને રેશુ અને દીપાંશુએ તેમના પિતાને બચાવવા માટે 10 મિનિટ સુધી દીપડા સાથે લડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે સુરેન્દ્રની અહીંની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડીએફઓ જ્ઞાન સિંહે વધુમાં જણાવ્યું કે દીપડાના મૃત્યુની માહિતી વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવી છે. તેમજ દીપડાનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. રેન્જર રજનીશ તોમરે જણાવ્યું કે મૃત દીપડો લગભગ ત્રણ વર્ષનો માદા દીપડો છે. આ મામલે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…પિતાની અમૂલ્ય ભેટ: ભંગાર વેચીને મજૂરે દીકરાને આઇફોન કર્યો ગિફ્ટ