દિલ્હીના વેલકમ વિસ્તારમાં બાળકો વચ્ચે ઝઘડો થયા બાદ બે ગ્રુપના લોકો સામસામે આવી ગયા હતા. વિવાદ એટલો વધી ગયો કે બંને જૂથના લોકો એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા. આ અંગેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને 20 લોકોની અટકાયત કરી હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે કડક કાર્યવાહી કરી છે તેવો મેસેજ આપવા માટે ચાર આરોપીઓને રમખાણની ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરી ધરપકડ કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે. તેમજ જેમની અટકાયત કરાઈ છે તેમની શું ભૂમિકા હતી તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે CCTV ફુટેજ મળ્યા છે જેના આધારે દોષિતોની ઓળખ કરવામાં આવી રહી છે.
દિલ્હીના વેલકમ વિસ્તારમાં બુધવારે રાત્રે પાર્કમાં બે સમુદાયના બાળકો રમી રહ્યાં હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને બાળકો વચ્ચે ઝઘડો થઈ ગયો. જો કે વિવાદ કઈ વાતને લઈને થયો તે હજુ સુધી સ્પષ્ટ નથી. વિવાદ વધતા બાળકોના પરિવારના લોકો ઘટના સ્થળે એકઠાં થઈ ગયા. થોડીવાર પછી બંને જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. આ વચ્ચે કોઈએ દિલ્હી પોલીસને રાત્ર 10 વાગ્યે જાણ કરીને પાર્કમાં બાળકો વચ્ચે ઝઘડો થઈ ગયો છે. આ અંગેની જાણ થતાં પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસને સતત બે કોલ આવ્યા
પોલીસને પહેલા કોલ પછી થોડીવારમાં બીજો કોલ આવ્યો, જેમાં જાણ કરવામાં આવી કે બે સમુદાયના લોકો વચ્ચે ઝઘડો થઈ ગયો છે. બંને તરફથી પથ્થરમારો થઈ રહ્યો છે. ઘટનાની ગંભીરતા સમજતાની સાથે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને સીનિયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો કે બાળકો વચ્ચે પાર્કમાં રમતી વખતે ઝઘડો થઈ ગયો હતો, જે બાદમાં મોટા ઝઘડામાં ફેરવાયો હતો.
પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો મોટી સંખ્યામાં લોકો ત્યાં હતા. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે પર હાજર ભીડમાં મોટાભાગના લોકો ઝઘડામાં સામેલ ન હતા. ભીડમાં હાજર કેટલાંક લોકો બંને પક્ષને સમજાવીને આ ઝઘડો શાંત પાડવાના પ્રયાસમાં હતા. પોલીસે જણાવ્યું કે હોબાળો કરનારા કેટલાંક લોકોની ઓળખ કરવામાં આવી છે.
ઝઘડા બાદ એકબીજા પર પથ્થરમારો કર્યો
નોર્થ ઈસ્ટ દિલ્હીના DCP સંજય સેને જણાવ્યું કે દિલ્હીના વેલકમ વિસ્તારમાં ફોટો ચોકના એક પાર્કમાં રમતી વખતે બે સમુદાયના બાળકો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જે બાદ બંને પક્ષના બાળકોએ એકબીજા વિરૂદ્ધ પથ્થરમારો કર્યો. તેમને જણાવ્યું કે પોલીસને પહેલો કોલ બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે મળ્યો હતો.
સંજય સેને જણાવ્યું કે થોડીવાર પછી પોલીસને બીજો કોલ આવ્યો જેમાં બે સમુદાયના લોકો વચ્ચે ઝઘડો થયો હોવાની વાત કરવામાં આવી. જે બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અને સીનિયર અધિકારી પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ નાગરિક ભાઈચારા કમિટીના લોકો અને સ્થાનિક લોકોની સમજદારીથી વાત વધુ વણસી ન હતી.