અમદાવાદઃ ગુજરાત રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજકુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ ગાંધીનગરમાં પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. કોરોનાની નવી લહેરમાં ટોચના અધિકારી સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે, તેમણે 9 મહિના પહેલાં ગુજરાતના અગ્ર સચિવ તરીકે પદભાર સંભાળ્યો હતો.
પંકજ કુમાર 1986 બેચના આઈએએસ
નવનિયુક્ત મુખ્ય સચિવ અને બિહારના પટનાના વતની પંકજ કુમાર 1986થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેઓએ આઈ.આઈ.ટી કાનપુરથી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે. તેઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર તરીકે સેવાઓ આપી છે. ઉપરાંત ગુજરાતમાં પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને કોરોનાના કપરાકાળમાં પણ મહત્વની જવાબદારીઓ ઉપાડીને અનેક જનહિતલક્ષી કાર્યો કર્યા છે. આ અગાઉ તેઓ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ઉમદા સેવાઓ આપીને અનેક જનહિતલક્ષી સેવાઓ ઓનલાઈન કાર્યરત કરી છે અને હાલ તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપી રહ્યા છે.
આ પહેલાં પણ IPS કોરોના પોઝિટિવ આવ્યાં હતા
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સતત વધતા કેસ વચ્ચે અનેક લોકો વેક્સિન લેવા માટે તૈયાર નથી. બીજી તરફ વેક્સિન લેવાથી ડેથ રેટ ઘટાડી શકાય તેવું નિષ્ણાંત ડોક્ટરો કહી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસના ઝોન-1 DCP રવિન્દ્ર પટેલ રોલ મોડેલ સમાન છે. તેઓ પોતે ડોક્ટર છે અને IPS તરીકે પોલીસ ફોર્સમાં જોડાયા હતાં. તેમણે તાજેતરમાં વેક્સિનનના બંને ડોઝ લીધા હતા અને ત્યારબાદ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.