ગાંધીનગર અને વડોદરા શહેરના વિકાસ માટે રૂ.291.22 કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો – મહાનગરોમાં નાગરિક સુવિધા સુખાકારી કામોની વૃદ્ધિ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં રાજ્યની બે મહાનગરપાલિકા વડોદરા અને ગાંધીનગરમાં જન સુવિધા વિકાસના વિવિધ કામો માટે રૂ. 291.22 કરોડ મંજૂર કર્યા છે.
વડોદરાના 227 કામો માટે રૂ.284.22 કરોડની ફાળવણી
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવેલી દરખાસ્ત અન્વયે વડોદરા મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ર૦રર-ર૩ ના વર્ષ માટે આંતરમાળખાકીય વિકાસના રર૭ કામો માટે રૂ. ર૮૪.રર કરોડ રૂપિયાના કામોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાંથી ભૌતિક આંતરમાળખાકીય વિકાસના પાણી પુરવઠા, ડ્રેનેજ, વરસાદી ગટર યોજના, સ્ટ્રીટ લાઇટ, બિલ્ડીંગ પ્રોજેક્ટ વગેરે મળીને ૧૧ર કામો માટે રૂ.ર૦૮.૩૩ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે સામાજિક આંતર માળખાકીય ઝોન કક્ષાના પાણી, ગટર, રસ્તા વગેરેના પણ ૧૧ર કામો માટે રૂ.૧૭.૩૪ કરોડ મંજૂર કર્યા છે. એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં અર્બન મોબિલીટી પ્રોજેક્ટ અન્વયે ૩ બ્રીજના કામો માટે રૂ. પ૮.પપ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્ર પટેલે આપી છે.
રૂ.7 કરોડના ખર્ચે પાટનગરના બે નવા આસ્ફાલ્ટ રોડના કામો કરાશે
ગાંધીનગર મહાનગરપાલિકાને પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ર૦રર-ર૩ ના વર્ષ માટે ૭ કરોડ રૂપિયા મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ રૂ. ૭ કરોડની રકમ ગાંધીનગર મહાનગરમાં સમાવિષ્ટ ખોરજ, ઝૂંડાલ, અમીયાપૂર, સુઘડ, કોટેશ્વર અને ભાટ ગામની ટી.પી માં બે નવા આસ્ફાલ્ટ રોડના કામો માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે. આ બે મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસ કામો માટેની દરખાસ્ત સંબંધિત મહાનગરપાલિકાઓ દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ કરવામાં આવી હતી તેને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.