રાજ્ય પરિવહનની 201 નવી બસોને મુખ્યપ્રધાને આપી લીલી ઝંડી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ નવીન બસોમાં બેસીને તેનું નિરીક્ષણ કર્યું
- ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૨૧ સ્લીપરકોચ મળી કુલ ૨૦૧ નવીન બસો ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોમાં દોડશે
ગાંધીનગર, 04 જાન્યુઆરી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં ૨૦૧ નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.
આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં મળી કુલ ૨૮૧૨ જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૨૧ સ્લીપરકોચ મળી કુલ ૨૦૧ નવીન બસોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ બસો ૩૩ જિલ્લાના ૭૮ ડેપો દ્વારા ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા દરરોજ ૮૦૦૦થી વધુ બસોથી રાજ્યમાં કુલ ૩૩ લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી, ૨૫ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વાર-તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ દોડાવવામાં આવે છે.
નવીન બસોના લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એમ. ડી. એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતઃ મતદારયાદી સુધારણા દરમિયાન 6 લાખથી વધુ નવા મતદાર ઉમેરાયા