બોટાદ લઠ્ઠાકાંડને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરુ, ASI આસમીબાનુની બદલી; મૃતકોના પોસ્ટમોર્ટમમાં થયો આ ખુલાસો
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડમાં નવો ઘટસ્ફોટ થયો છે. મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મિથાઈલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DGP આશિષ ભાટિયા, ADGP નરસિમ્હા કોમર, નીરજા ગોટરૂ હાજર રહ્યાં હતા.
સોમવારે સાંજે ઝેરી દારુ દારૂ પીવાથી 24 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે હજુ 30થી વધુ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે આ મૃત્યુઆંક હજુ વધુ શકી છે. આવડી મોટી સંખ્યામાં લોકોને ભેટ્યા બાદ આ લઠ્ઠાકાંડના પડઘા પાટનગર પડ્યા છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસવડા સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ સઘન તપાસના આદેશ આપ્યા છે. માત્ર એટલું જ નહીં, બરવાળાના ASI આસમીબાનુની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.
FSL દ્વારા તપાસ શરૂ
FSLએ ઝેરી દારુમાં કયા કેમિકલનો કેટલો ઉપયોગ થયો હતો એ અંગે તપાસ શરૂ કરી છે. તેની વિગતો પણ મંગળવાર સાંજ સુધીમાં સામે આવશે એવું મનાઈ રહ્યું છે.
અમદાવાદથી કેમિકલ સપ્લાય થયું અને બરવાળામાં લઠ્ઠો બન્યો
ATSના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું. બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો. બીજી તરફ હજુ પણ એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.