ટોપ ન્યૂઝનેશનલ

લ્યો આ મુખ્યમંત્રીએ વાદળ ફાટવાની ઘટનાને ‘વિદેશી ષડયંત્ર’ ગણાવી દીધું !!!

Text To Speech

દેશમાં વરસાદના કારણે ઠેક-ઠેકાણે પરિસ્થિતિ બગડી રહી છે. તેમજ ઘણાં સ્થાનો પર છેલ્લા 15 દિવસની અંદર અનેક ઠેકાણે વાદળ ફાટવાના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રાજ્યના ગોદાવરી ક્ષેત્રમાં આવેલા પૂરને વાદળ ફાટવાનું પરિણામ ગણાવ્યું હતું. સાથે જ તેમણે આ ઘટના અન્ય દેશોનું ષડયંત્ર હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી.

શું કહ્યું મુખ્યમંત્રીએ

હાલમાં તેલંગાણાના ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી પૂરથી પ્રભાવિત એવા ભદ્રાચલમ વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા અને ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ‘આ એક નવી ઘટના છે જેને વાદળ ફાટવું કહે છે. લોકો કહે છે કે, કોઈ ષડયંત્ર છે. અમે નથી જાણતા કે આ કેટલું સત્ય છે, કે કેટલાક દેશોના લોકો આપણા દેશના અમુક સ્થળો પર જાણી જોઈને વાદળ ફાટવાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. પહેલા તેમણે કાશ્મીર પાસે લેહ-લદાખમાં, બાદમાં ઉત્તરાખંડમાં તથા હવે અમને એવા રિપોર્ટ મળ્યા છે કે, તેઓ ગોદાવરી ક્ષેત્રમાં આ ઘટનાને અંજામ આપી રહ્યા છે.’ જોકે તેમણે લોકો દ્વારા આવી વાત કરવામાં આવે છે અને તેમાં કેટલું સત્ય છે એ નથી ખબર તેમ પણ કહ્યું હતું.

પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાતે

છેલ્લા એકાદ સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે તેલંગાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મંદિરોનું શહેર ગણાતા ભદ્રાચલમમાં જળ સ્તર 70 ફૂટે પહોંચી ગયું હતું જે પૂરની ત્રીજી અને અંતિમ ચેતવણીથી ખૂબ ઉપર હતું. ત્રીજી ચેતવણીમાં પાણીનું સ્તર 53 ફૂટ જણાવવામાં આવ્યું હતું. આજે તે સ્તર ઘટીને 60 ફૂટે પહોંચ્યું છે. શનિવારે મુખ્યમંત્રી પૂર પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત માટે ભદ્રાચલમ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ‘ગંગમ્મા’ કે ગોદાવરી નદી માટે ‘શાંતિપૂજા કરી હતી.’

વાદળ ફાટવું એટલે શું?

વાદળ ફાટવું એટલે સામાન્ય રીતે ખૂબ જ ઓછા સમયગાળામાં અત્યાધિક પ્રમાણમાં વરસાદ વરસવો, જેના કારણે પૂર આવી શકે છે. હવામાન વિભાગ તેને 20થી 30 વર્ગ કિમીના ભૌગોલિક ક્ષેત્રમાં પ્રતિ કલાક 100 મિમી (કે 10 સેમી)થી વધુ અપ્રત્યાશિત વરસાદ તરીકે પરિભાષિત કરે છે.

Back to top button