ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને પ્રદેશ પ્રમુખ શુક્રવારે દિલ્હી જશે

Text To Speech
  • રાજ્યસભા ચૂંટણી, નવા સંગઠનની રચના, કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર અંગે ચર્ચા
  • રાજ્યસભાના નામોની પસંદગી કરવા તા.10ના ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
  • ચૂંટણીમાં બે નવા ચહેરા અંગે જબરો સસ્પેન્સ

ગુજરાતમાં આગામી સમયમાં સંગઠનમાં થઇ શકતા ફેરફાર અંગે હવે ચક્રોગતિમાન બન્યા છે અને રાજયસભાની ત્રણ બેઠકોની ચૂંટણીઓ પણ આવી છે તે સંદર્ભમાં હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ આગામી તા.7ના રોજ દિલ્હીમાં મોવડી મંડળ સાથે મહત્વની બેઠક યોજશે તેવા સંકેત છે. ખાસ કરીને રાજયસભામાં ત્રણ બેઠકોની ચૂંટણી યોજાવાની છે તેમાં ભાજપ રાજયમાં ત્રણેય બેઠકો જીતી શકે તેમ છે અને ફકત ઉમેદવારોની પસંદગીની કવાયત જ મહત્વની બની રહેશે.

કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકે એમ નથી

તા.24 જુલાઇના આ માટે મતદાન યોજાશે પરંતુ કોંગ્રેસ જે રીતે એક પણ બેઠક જીતી શકે તેમ નથી તેથી ઉમેદવારી નોંધાવે તેવી શકયતા નહીંવત છે અને ગુજરાતમાંથી ચૂંટાયેલા વિદેશ મંત્રી એસ.જયશંકરને ફરી એક વખત રાજયસભામાં મોકલવા માટે ઉમેદવાર તરીકે જાહેર કરાશે જયારે બે સભ્યો જેમલભાઇ અનાવડીયા અને જુગલસિંહ લોખંડવાલાએ બંનેને હવે ફરી ભાજપ પસંદ કરે તેવી શકયતા નથી. અને આથી બે નવા ચહેરા શોધવા માટે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખને દિલ્હીમાં બોલાવાયા હોય તેવી શકયતા છે.

કેન્દ્રમાં ગુજરાતના મંત્રીઓ મુકાઈ શકે છે પડતા

આ ઉપરાંત મોદી સરકારના મંત્રીમંડળની પણ પુન: રચનાની તૈયારી છે અને તેમાં પણ ગુજરાતમાંથી કોઇ નવા ચહેરાને પસંદ કરાઇ અને હાલના મંત્રીમંડળમાંથી એક કે બે મંત્રીઓને પડતા મુકાઇ તેવી ચર્ચા છે અને તેથી જ તે અંગે પણ દિલ્હીમાં આ બંને ટોચના નેતાઓ મોવડી મંડળ સાથે ચર્ચા કરશે તેવું માનવામાં આવે છે. તા.10ના રોજ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર છે અને જેમાં રાજયસભાના નામોને લીલીઝંડી અપાશે તેવા સંકેત છે. જોકે રાજયસભાના નામો અંગે ગુજરાતમાંથી કોને હવે ઉપલા ગૃહમાં મોકલાશે ? તે હજુ સુધી કોઇ સંકેત નથી પરંતુ ભાજપ તેની સ્ટાઇલ મુજબ આખરી ઘડીએ નામોની જાહેરાત કરશે તેવું માનવામાં આવે છે.

Back to top button