મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે, PM સાથે કરશે મુલાકાત
- કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીલ ગુજરાતમાં
- કમલમ ખાતે નવા-જુના ધારાસભ્યોને કરશે સંબોધન
- સભ્ય નોંધણીમાં વધારો કરવા આપશે માર્ગદર્શન
ગાંધીનગર, 8 ઓક્ટોબર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યસચિવ રાજકુમારની સાથે મંગળવારે સવારે દિલ્હીના પ્રવાસે છે. જ્યાં તેઓ પૂર્વનિર્ધારિત બેઠકોની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. તો બીજી તરફ ભાજપના સદસ્યતા અભિયાનમાં બે કરોડ સભ્ય નોંધણી સામે માંડ ૯૦- ૯૫ લાખ સભ્યો નોંધતા મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલય- શ્રી કમલમે રાજ્યના નવા અને જૂના ધારાસભ્યો, સાંસદો અને આ અભિયાનના ઈન્ચાર્જની બેઠકનું આયોજન કરાયુ છે. જેને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ સંબોધશે અને સભ્ય નોંધણી માટે સૌને ટાસ્ક સોંપશે તેમ જણવા મળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહના અંતે શનિવારે અચાનક રવિવારે કેબિનેટની બેઠક અને તે પછીના મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલયે ચાલુ અને પૂર્વ ધારાસભ્યો– સાંસદોની બેઠકનુ આયોજન થયુ ત્યારથી જાતભાતની અટકળો છે. દરમિયાન મંગળવારે પ્રદેશ કાર્યલાય- શ્રી કમલમે ૩૫૦થી વધારે પુર્વ અને વર્તમાન ધારાસભ્યો- સાંસદોની યોજનારી બેઠક અંગે ભાજપના નેતાએ કહ્યુ કે, આ બેઠકમાં સદસ્યતા અભિયાનમાં લક્ષ્યાંક સિધ્ધી માટે સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ અધ્યક્ષ પાટિલ અને મુખ્યમંત્રી માર્ગદર્શન આપશે.
તદ્ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર શાસન સરકારી વહિવટમાં પદાપર્ણ કર્યાના ૨૩ વર્ષ નિમિત્તે રાજ્યભરમાં ૧૫મી ઓક્ટોબર સુધીમાં યોજનારા કાર્યક્રમોમાં સામેલ થવા તેમજ આવનારી પાલિકા- પંચાયતની ચૂંટણીઓને લઈને પણ વિચાર-વિમર્શ- પરામર્શ થશે. આ બેઠકનું આયોજન મંગળવારે બપોરે ત્રણેક કલાકે શ્રી કમલમ-કોબા ખાતે કરવામાં આવ્યુ છે. જેથી મુખ્યમંત્રી દિલ્હીથી પરત આવ્યા બાદ તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ભાજપના ૧૬૧ ધારાસભ્યો- સાંસદોને અનુક્રમે વિધાનસભામાં એક લાખ અને લોકસભામાં ૭ લાખ સભ્ય નોંધણીનો લક્ષ્યાંક અપાયો છે.
આ પણ વાંચો :- હરિયાણાની VIP સીટો પર કોણ આગળ, કોણ પાછળ? જાણો સ્થિતિ