ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અચાનક દિલ્હી પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Text To Speech

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે. હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે તેઓ આ કામગીરીમાં ઉપસ્થિત રહ્યા ન હતા. દરમિયાન સાંજે તેમની અને વડાપ્રધાનની મુલાકાતના ફોટાઓ વાયરલ થયા હતા અને તેઓએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હોવાનું સામે આવ્યું હતું. અચાનક જ સીએમ દિલ્હી પહોંચ્યા હોય અને સીધા જ પીએમને મળ્યા હોય તેવી આ લગભગ પ્રથમ ઘટના હતી. ત્યારે ગાંધીનગર સહિત ગુજરાતના રાજકારણમાં આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

કાલે રાત્રે જ તેઓ દિલ્હી પહોંચ્યા

આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે તેઓ કાલે રાત્રે જ ગાંધીનગરથી સીધા દિલ્હી પહોંચી ગયા હતા. બાદમાં આજે સવારે તેઓ વડાપ્રધાનને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે શું ચર્ચાઓ થઈ તેના વિશે હજુસુધી કોઈ વિગતવાર માહિતી સામે આવી નથી પરંતુ તેમની આ મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે.

રાજ્યના વિકાસને લગતી ચર્ચાઓ થઈ

હાલ સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ બેઠકમાં રાજ્યના વિકાસને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી આગામી આઠમી માર્ચે અમદાવાદ આવી રહ્યાં છે. અમદાવાદમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે. ત્યારે વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આ મેચ નિહાળશે.

વિધાનસભામાં પાસ થયેલા બિલ અંગે ચર્ચા

આ ઉપરાંત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડૂતોની સ્થિતિ સાથે રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિ વિશે પીએમને માહિતગાર કર્યા હતા. જેમાં રાજકોટના નિર્માણાધીન એરપોર્ટ અને એઈમ્સનો મુદ્દો મહત્વનો હતો. આ સાથે મુખ્યમંત્રીએ PMને બજેટની સાથે વિધાનસભામાં પસાર થયેલા પેપર લીક અને ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવાના કાયદા અંગે પણ માહિતગાર કર્યા હતા. બંને નેતાઓ વચ્ચેની ચર્ચામાં રાજ્યના અન્ય મુદ્દાઓ પણ ચર્ચા માટે આવ્યા હતા.

Back to top button