ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિજયા દશમી પર્વે CM હાઉસ ખાતે શસ્ત્ર પૂજન કર્યું

Text To Speech

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે વિજયા દશમીના પાવન પર્વે મુખ્યમંત્રી સુરક્ષા સલામતિ સાથે સંકળાયેલા પોલીસ સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓ સાથે મુખ્યમંત્રી નિવાસ પ્રાંગણમાં શસ્ત્ર પૂજન કર્યું હતું. આ તકે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પાટનગરના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિજયા દશમી-દશેરાએ શસ્ત્ર પૂજનની આ સનાતન ભારતીય સંસ્કૃતિ પરંપરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી નિવાસ સંકુલમાં સુરક્ષા સલામતિ કર્મીઓ સાથે શસ્ત્ર પૂજનથી શરૂ કરાવી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરાને આગળ ધપાવતાં વિજયા દશમી અવસરે પોતાના સુરક્ષા કર્મીઓ સાથે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન સંપન્ન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષા કર્મીઓને વિજયા દશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ કર્મીઓની કાર્યદક્ષતા, ફરજ નિષ્ઠા માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સુરક્ષા કર્મીઓ સાથે તેમના પારિવારિક જીવન અંગે તેમજ બાળકોના અભ્યાસ, જીવનમાં આધ્યાત્મિકતાનું મહાત્મ્ય, વગેરે બાબતે સહજ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી સુરક્ષા સલામતિના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ આ વેળાએ સુરક્ષા કર્મીઓ સાથે જોડાયા હતા.

Back to top button